દરેક શહેરમાં વરસાદ પડે કે તરત જ ‘તંત્રોની પોલ’ ખુલી જાય છે ! લોકો અને મિડીયા મ્યુનિસિપાલિટીઓનાં માથે ટીકાઓની તડાપીટ બોલાવે છે.
અમારું સુચન છે કે દરેક શહેરમાં થોડા નવા વિભાગો ખોલવાની જરૂર છે…
***
ભુવા-ઝોન વિભાગ
આ વિભાગે શહેરના રસ્તાઓનો અભ્યાસ કરીને ક્યાં ક્યાં ભૂવા પડશે તેની ‘આગાહીઓ’ કરવાની રહેશે ! જે રીતે હાઈવે ઉપર ‘અકસ્માત ઝોન’નાં પાટિયાં હોય છે એ રીતે દરેક રોડ ઉપર ‘ભુવા ઝોન’નાં પાટિયાં મારી રાખવાનાં !
***
તળાવ-તરણ વિભાગ
ત્રણ ઇંચથી વધારે વરસાદમાં જ્યાં જ્યાં તાત્કાલિક ધોરણે તળાવો ભરાઈ જાય છે ત્યાં ‘મિની-નૌકાવિહાર’ જેવી પ્રવૃત્તિઓ કરવાનું કામ ઉપાડી લેવું ! અહીં ઓછાં ઊંડા પાણીમાં બાળકો માટે ‘કાગળની હોડી’ સ્પર્ધા પણ રાખી શકાય !
***
રંગીન-પાણી વિભાગ
અમુક વિસ્તારોમાં તો ફેકટરીઓનાં કેમિકલ્સ વરસાદનાં પાણીમાં ભળી જાય છે ! આના કારણે પાણી ઘેરા લાલ રંગનું દેખાય છે ! અમારું સુચન છે કે માત્ર ઘેરો લાલ રંગ જ શા માટે ? ફેકટરીના માલિકોને કેમિકલ્સની ટ્રેનિંગ આપો, જેથી હવે પછી વરસાદમાં આવાં પાણીમાં ગુલાબી… પોપટી… મોરપીંછ… તથા કેસરિયા રંગો દેખાય ! (ફોટા પણ સારા પડશે.)
***
વિડીયો વિભાગ
ઘુંટણસમા પાણીમાં ફસાયેલાં વાહનો… ભૂવામાં ગરક થઈ જતી કાર… ઘરોમાં તરતાં વાસણો… ખુલ્લી ગટરમાં ધસમસતાં જઈ રહેલાં પાણી… આવા બધા વિડીયો બિચારી પ્રજાએ જાતે બનાવીને વાયરલ કરવા પડે છે ! તેના બદલે નવો ‘વિડીયો-સેલ’ આ કામગીરી ના કરી શકે ? ડ્રોન કેમેરા વડે વિવિધ વિસ્તારોનાં ‘દર્શન’ પણ કરાવો ને !
-આશા છે આવતું ચોમાસું કમ સે કમ વધારે ‘મનોરંજક’ હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment