ગઈકાલે બે દિવસો ભેગા થઈ ગયા. ડોક્ટર્સ ડે અને CA’s ડે, બોલો ! જોવાની વાત એ છે કે બન્નેમાં કેવો કેવો ફરક છે…
***
ડોક્ટર આગળ આપણે આપણી બિમારી નથી છૂપાવતા, પણ શું ‘ખાઈએ’ છીએ એ જરૂર છૂપાવીએ છીએ !
CA આગળ આપણે આપણી આવક પણ છૂપાવીએ છીએ પણ મોટી મોટી હસ્તિઓ તો પોતે કેટલું ‘ખાય’ છે એ પણ છૂપાવે છે !
***
ડોક્ટર આપણી ‘જિંદગી’ બચાવવાનો દાવો કરે છે.
જ્યારે CA આપણી ‘કમાણી’ બચાવવાનો દાવો કરે છે… બોલો કોણ વધારે સારું ?
***
ડોક્ટર આપણને ‘યમરાજથી’ બચાવે છે…
જ્યારે CA આપણને ‘સરકારથી’ બચાવે છે… બોલો કોણ વધારે સારું ?
***
ડોક્ટરનું સર્ટિફીકેટ મામૂલી માણસને નોકરીમાં ગુટલી મારવામાં અને નિયમિત રીતે દારૂ મેળવવામાં મદદ કરે છે…
પરંતુ ડોક્ટરનું એ જ સર્ટિફિકેટ મોટી મોટી હસ્તિઓને જેલમાં જવાને બદલે હોસ્પિટલોમાં જલ્સા કરવામાં મદદ કરે છે !
***
એ જ રીતે CAનું સર્ટિફીકેટ નાની નાની સંસ્થાઓને ટેક્સ ભરવામાંથી બચવામાં મદદ કરે છે…
પરંતુ CAનું એ જ સર્ટિફીકેટ મોટી મોટી કંપનીઓને દેવાળું ફૂંકવામાં મદદ કરે છે ! બોલો.
***
ડોક્ટરો માટે એવું કહેવાય છે કે તમે એક વાર હોસ્પિટલનાં પગથિયાં ચડ્યાં એટલે જીંદગીભર હોસ્પિટલોનાં ચક્કર કાપતાં જ રહેવાના…
CA માટે પણ એવું જ છે ! તમે એક વાર IT ડિપાર્ટમેન્ટની નજરે ચડ્યા, એટલે…
***
પણ હા, બન્ને પાસે જ્યારે તમે પહેલી વાર જાવ છો ત્યારે બન્ને એક જ વાક્ય કહે છે : ‘આમ તો બહુ મોડું કરી નાંખ્યું છે, પણ ચિંતા ના કરશો, આપણે બધું OK કરી દઈશું.’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment