આજકાલ જમાનો એવો આવી ગયો છે કે બિચારો કોમનમેન ઠેર ઠેર મજબૂર થઈ રહ્યો છે ! જુઓ…
***
અહીં પોતાના ઘરમાં ઘરવાળી જ કશું સાંભળતી નથી…
- અને ફરિયાદો કરીએ છીએ કે સરકાર કશું સાંભળતી નથી !
***
અહીં પત્ની પિયર ગઈ હોય તો પાડોશણ સામે સ્માઈલ કરવામાં તો દિલના ધબકારા ડબલ થઈ જાય છે…
- અને પેલો લલિત મોદી સુસ્મિતા સેન સાથે રોમાન્સ કરે તો આપણો જીવ બળી જાય છે ! બોલો.
***
અહીં ચાર દહાડા પહેલાં પડેલા ચાર ઇંચ વરસાદમાં આપણા એરિયાનો જે રોડ ધોવાઈ ગયો એનો કોન્ટ્રાક્ટર કોણ હતો એનું નામ તો શોધી શકતા નથી…
- અને વીસ વરસ પહેલાં રમખાણો ફેલાવવામાં કોનાં કોનાં નામો સંડોવાયેલાં હતાં તે જાણીને ઉશ્કેરાઈ જઈએ છીએ !
***
અહીં નિશાળમાં હતા ત્યારે ઇતિહાસની બે ટુંકનોંધો પણ સરખી યાદ રહેતી નથી…
- અને આજે સોશિયલ મિડીયામાં કકળાટ કરી મુકીએ છીએ કે બોસ, આપણને આખો ઇતિહાસ જ ખોટ્ટો ભણાવ્યો હતો !
***
અહીં 15મી ઓગસ્ટ, રક્ષાબંધન અને શનિ-રવિની આજુબાજુ કોઈને કોઈ બહાને રજાઓ મુકીને મિનિ-વેકેશન પાડી દેવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ…
- અને જાહેરમાં ફરિયાદ કરીએ છીએ કે સાહેબો, દેશનો GDP ઘટતો જ જાય છે !
***
અહીં આપણા ફ્લેટના ધાબે જે કચરો ભેગો થયો છે એની સફાઈનાં તો ઠેકાણાં નથી…
- અને ચર્ચા લઈને બેઠા છીએ કે નવી સંસદના ધાબે પેલી મૂર્તિ ગોઠવી છે તે બરોબર કહેવાય કે નહીં ? બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment