'તાક ધિના ધિન..'ની બે કહાણીઓ

‘બરસાત મેં… તાક ધીના ધીન !’ આજકાલ જ્યારે વરસાદી મોસમ પુરજોશમાં જામી છે ત્યારે આ ગાયન યાદ આવી જાય છે ને ! 

આની પાછળની કહાણી એવી છે કે જ્યારે શંકર અને જયકિશન હજી ફિલ્મી સંગીતકાર નહોતા બન્યા અને પૃથ્વી રાજકપૂરની નાટક મંડળી ‘પૃથ્વી થિયેટર્સ’માં સંગીત વિભાગમાં જોડાયેલા હતા ત્યારે એ લોકો એક વાર અમદાવાદમાં નાટકો કરવા આવેલા. નાટકો હોલમાં નહીં પરંતુ ખુલ્લા મેદાનમાં મંડપ બાંધીને થતાં હતાં. એક સાંજે એવો ધોધમાર વરસાદ પડ્યો કે મંડપ-સેટ-તંબુ બધું ધોવાઈ ગયું ! શો થાય એવા તો કોઈ ચાન્સ જ નહોતા, ઉપરથી વરસાદ હજી ચાલુ જ હતો. (આ વખતે યુવાન રાજકપૂર પણ એમની સાથે હતા.) 

ધોધમાર વરસાદમાં યુવાન શંકરને શી ખબર શું સુઝ્યું તે પાણીમાં તરતું જતું એક વાસણ ઉપાડીને તેની ઉપર તાલ વગાડીને ગાવા માંડ્યું. ‘બરસાત મેં.. તાક ધીના ધીન ! બરસાત મેં.. તાક ધીના ધીન !’ જયકિશન પણ એની સાથે જોડાયો અને ધમાલ મસ્તી કરતાં કરતાં એમણે ત્યાંને ત્યાં જ અગડમ બગડમ શબ્દો સાથે એક ધૂન બનાવી કાઢી ! 

જોકે એ વાતને ઘણો સમય વીતી ગયો. પરંતુ જ્યારે રાજકપૂરે ‘બરસાત’ ફિલ્મનું સંગીત શંકર જયકિશનને સોંપ્યું. (બરસાત SJની પહેલી ફિલ્મ હતી) ત્યારે પેલી અમદાવાદમાં મસ્તી-મસ્તીમાં બની ગયેલી ધૂન યાદ કરીને શંકરને કહ્યું, ‘ગેંદા મહારાજ, આની ઉપરથી ગાયન બનાવો ને ?’ (શંકરને પહેલવાનીનો શોખ હતો. એમનું શરીર કસાયેલું રહેતું અને તેમનો ખોરાક પણ બહુ હતો. એટલે પ્રેમથી એમનું નામ ગેંદા મહારાજ પડી ગયેલું !) 

રસ પડે એવી વાત એ પણ હતી કે ગીતકાર શૈલેન્દ્રની પણ આ પહેલી જ ફિલ્મ હતી. ફિલ્મનાં જે બે ગાયનો સૌથી છેલ્લે રેકોર્ડ થયાં એમાંનું આ ગીત હતું. ‘તાક ધીના ધીન !’ જેનું મુખડું તો તૈયાર જ હતું ! એનાથી યે રસ પડે એવી વાત એ હતી કે જ્યારે આ ગાયનનું પિક્ચરાઈઝેશન થયું ત્યારે એમાં વરસાદ પડતો જ નથી ! 

ફિલ્મની સ્ટોરીમાં પ્રેમનાથ અને નિમ્મી પહેલીવાર મળ્યા ત્યારે વરસાદ પડતો હતો તેને યાદ કરીને ગવાયું છે. પહેલીવાર સાંભળવામાં જે ધમાલ મસ્તીનું ગીત લાગે (અને એનું સર્જન પણ ધમાલ મસ્તીના મૂડમાં જ થયેલું) છતાં ધ્યાનથી સાંભળો તો આ એક વિરહની ક્ષણનું ગીત છે…. ‘પ્રીત ને સિંગાર કિયા મૈં બની દુલ્હન’થી આગળ વધતું આ ગીત છેલ્લે ‘આગ કી લપટોં મેં પુકારે યે મેરા ગમ… મિલ ન સકે હાય, મિલ ન સકે હમ…’ જેવા શબ્દોથી પુરું થાય છે. (છેલ્લે તો સાથે ગાનારું કોરસ અને વાજિંત્રો બંધ થઈ જાય છે અને ‘હાયે.. બરસાત મેં…’ એવા શબ્દો પછી જાણે દિલ તૂટવાનો આઘાત લાગતો હોય એવા ‘બેન્ગ મ્યુઝિક’ સાથે ગીત પુરું થાય છે.) 

જરા વિચારો, ક્યાં ‘તાક ધીના ધીન…’ અને ક્યાં ‘આગ કી લપટોં મેં… ?’ ફક્ત સાડા ત્રણ મિનિટમાં આ ગીત ક્યાંથી ક્યાંની સફર તય કરે છે ? આ હતો શૈલેન્દ્રના શબ્દોનો જાદૂ !

આજે વિચાર કરતાં આપણને નવાઈ લાગે કે રાજકપૂરે આ ટાઈટલ સોંગ છેક છેલ્લે શા માટે રેકોર્ડ કર્યું હશે ? 

કેમ કે કિસ્સો એવો છે કે ફિલ્મનું નિર્માણ શરૂ થાય એ પહેલાં રાજકપૂરે શૈલેન્દ્રને એક કવિ-સંમેલનમાં સાંભળ્યા હતા. તે જ વખતે એમણે નિમંત્રણ આપ્યું હતું કે ‘હું એક ફિલ્મ બનાવી રહ્યો છું. તમને એમાં ગીતો લખવાનું ગમશે ?’ શૈલેન્દ્રએ તે વખતે જરા કઠોર શબ્દોમાં ના પાડતાં કહેલું કે ‘મને એ પ્રકારનાં છીછરાં ફિલ્મી ગીતો લખવામાં રસ નથી.’ 

જોકે ત્યારબાદ સંજોગો પલટાયા. શૈલેન્દ્રનાં ધર્મપત્ની ખરાબ રીતે બિમાર પડ્યાં. પૈસાની સખત તંગી હતી તે વખતે શૈલેન્દ્રએ રાજકપૂરને યાદ કર્યા. રાજકપૂરે પૈસાની મદદ તો કરી જ, ઉપરથી કહ્યું ‘આ પૈસા પાછા આપવાની જરૂર નથી, પરંતુ જો તમારું મન પલટાય અને મારા માટે ગીતો લખવાનું મન થાય તો મારા દરવાજા ખુલ્લા છે.’

જ્યારે શૈલેન્દ્રનું મન પલટાયું ત્યારે તો બે જ ગીતો રેકોર્ડ થવાનાં બાકી હતાં, છતાં રાજકપૂરે શું વિચારીને ‘ટાઈટલ સોંગ’ બાકી રાખ્યું હશે ? શું એમને અંદરથી શ્રદ્ધા હતી કે આ ગીત તો શૈલેન્દ્ર જ લખશે ?... આવી છે, આ ગીતની દાસ્તાન !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments