મૂશળધાર, સાંબેલાધાર, ધોધમાર… એવા જૂના પ્રકારો ભૂલી જાવ ! નવા જમાનામાં વરસાદના નવા પ્રકારો આવી ગયા છે…
***
ટહુકો વરસાદ
બેઝિકલી આ ફેસબુકિયો વરસાદ છે ! હજી વરસાદના ચાર છાંટા પડ્યા નથી કે ફેસબુકિયાઓ મોરના ટહૂકા અને મિટ્ટી કી સુગંધ… એવાં જોડકણા ફોટા સાથે મુકવા માંડશે !
***
આગાહી વરસાદ
એકચ્યુઅલ વરસાદ આવવા પહેલાં ન્યુઝ ચેનલો, છાપાંઓ અને જ્યોતિષીઓ હવામાન ખાતાને પણ ગૂંચવી નાંખે તેવી આગાહીઓનો વરસાદ વરસાવી મુકશે !
***
ભજિયાં વરસાદ
પ્રિ-મોન્સૂન શાવર યાને કે ચોમાસા પહેલાં થોડો વરસાદ પડે કે તરત સોશિયલ મિડીયામાં ભજીયાંનાં ગુણગાન ગવાવા લાગશે ! ભજીયું તો ઓલમોસ્ટ ભગવાન બની જશે !
***
મિડીયા વરસાદ
ગુજરાતમાં પડે એ પહેલાં ન્યુઝ ચેનલોમાં પડવા માંડશે ! કેરળ, કર્ણાટક અને આસામમાં પડેલા વરસાદને બતાડીને ગુજરાતીઓને ટટળાવવામાં, જલાવવામાં આવશે !
***
પોલ-ખોલ વરસાદ
ત્યારબાદ જ્યારે ખરેખર વરસાદ પડે ત્યારે બે ઇંચ હોય કે ચાર ઇંચ, એમાં બધું જળબંબાકાર થઈ જાય… અને રાબેતા મુજબ તંત્ર ઊંઘતું ઝડપાય… વિકાસની પોલ ખુલી જાય !
***
વિડીયો વરસાદ
આ જુઓ, અહીં કેટલું પાણી છે, આ જુઓ પુલ ડૂબી ગયો… આ જુઓ ભેંસ તરવા લાગી… (અલ્યા, તરે જ ને ?) એવા પર્સનલ વિડીયો વાયરલ થવા માંડશે !
***
તંત્ર-દોડ વરસાદ
હવે મિડીયાને મઝા પડશે ! એ લોકો જ તંત્રને દોડતું કરશે ! પછી ઘૂંટણભેર પાણીમાં ઊભા રહીને કકળાટો-કલબલાટો કરી મુકશે !
***
પુર રાહત વરસાદ
છેવટે પુર-રાહત સામગ્રીઓ વહેંચાશે… જેની ઉપર મહાનુભાવોના ફોટા અચૂક ચોંટાડશે !
***
તોબા તોબા વરસાદ
છેવટે જે લોકો ટહૂકા વરસાદ અને ભજિયાં વરસાદ હોંશે હોંશે ઉજવતા હતા એ જ લોકો વરસાદથી તોબા પોકારી ગયા હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment