મારો ખાડો, મારું અભિમાન !

ચોમાસાના પહેલા-બીજા વરસાદમાં જ શહેરોના રોડ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે હવે તેની ફરિયાદો કરવાને બદલે તેની સ્પર્ધાઓ રાખવાની જરૂર છે ! જુઓ નમૂના…

*** 

સર્વશ્રેષ્ઠ ખાડો સ્પર્ધા
તમારા એરિયામાં પડેલા મોટામાં મોટા અને ખતરનાકમાં ખતરનાક હોય એવા ખાડાઓના ફોટા (શક્ય હોય તો અંદર વાહન ઘૂસાડીને) મોકલી આપો ! સૌથી બેસ્ટ ખાડાને ઇનામ મળશે…

*** 

સર્વાધિક ખાડા સ્પર્ધા
અહીં નાના મોટા ખાડાઓની પણ એટલી જ કદર થશે ! પરંતુ તમારા વિસ્તારના રોડમાં નાના-મોટા થઈને મિનિમમ 100 ખાડા પડ્યા હોય તો જ એના ફોટા મોકલજો ! એથી ઓછા ખાડા તો પુરવામાં પણ નહીં આવે…

*** 

શ્રેષ્ઠ ખાડા નકશા સ્પર્ધા
શું તમને તમારા ખાડામાં ભારતનો નકશો દેખાય છે ? ગુજરાતનો નકશો દેખાય છે ? બાંગ્લાદેશ, શ્રીલંકા કે ઇંગ્લેન્ડના નકશા પણ ચાલશે ! જો નકશામાં કોઈ આકાર ખૂટતો હોય તો જે તે રોડના કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરો ! તે જરૂર મદદે આવશે…

*** 

શ્રેષ્ઠ વિઘ્ન-દોડ રોડ
શું તમારો રોડ ભલભલાં વાહનોના સ્પીડ-બ્રેકર તરીકે ચાલી શકે તેમ છે ? અથવા શું એ રોડ ઉપર ટુ-વ્હીલરના વ્હીલને જરા પણ ભીનું થયા વિના પાર કરાવી શકાય છે ? તો વિડીયો ઉતારીને મોકલી આપો ! ઇન્સ્ટાગ્રામમાં તો ફેમસ થઈ જશો…

*** 

શ્રેષ્ઠ ડીસ્કો રોડ
આવતાં જતાં વાહનો ડિસ્કો કરી રહ્યાં હોય તેમ લાગે છે ? તાલબધ્ધ રીતે ઉછળતાં, ડોલતાં, ઝૂમતાં અને ગબડતાં વાહનોના વિડીયો મ્યુઝિક સાથે મોકલો !

*** 

શ્રેષ્ઠ સ્લિપ – ડિસ્ક રોડ
જો તમારા રોડ ઉપરથી વારંવાર પસાર થવાથી લોકોના મણકા ખસી જતા હોય તો એમને નહીં, રોડના કોન્ટ્રાક્ટરને ઇનામ મળશે… હોસ્પિટલો તરફથી ! જલ્દી કરો…

***

- મન્નુ શેખચલ્લી

Comments