સૌને આપો માલ્યા- ન્યાય !

એક કેસમાં ભારતની અદાલતે વિજય માલ્યા ઉપર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે ! લો બોલો.
આ હિસાબે તો હવે…

*** 

દાઉદ ઇબ્રાહિમને વિદેશની બે ત્રણ ઘડિયાળો અને 10-20 ગ્રામ સોનુ દંડ રૂપે જમા કરાવવાનું જ કહો ને?

*** 

પેલા અબુ સલેમને પણ 1992ના બોમ્બ ધડાકાઓ વખતે RDX સપ્લાય કરવાના ગુનામાં. અમસ્તો જ જેલમાં પુરી રાખ્યો છે. એને કહો કે બે-ચાર સૂતળીબોમ્બ અને દસેક લવિંગિયાં ફટાકડાની લૂમ કોર્ટમાં ભરી દે !

*** 

અને લાલુ યાદવને પણ શા માટે જેલમાં ખોસી રાખ્યા છે ? એમની પાસે ઘાસના બે પૂળા માગો અને મામલો રફેદફે કરો, ભઈયા !

*** 

જોકે વિજય માલ્યાના સમાચાર સાંભળીને મેહુલ ચોક્સીએ ઓફર આપી છે કે હું વિજય માલ્યા કરતાં ‘બમણો’ દંડ ભરવા તૈયાર છું ! બોલો.

*** 

એમ તો ડઝનથી વધારે હત્યાઓના આરોપી આતંકવાદી યાસિન મલિકને પણ કાલે ઊઠીને આદેશ આવશે કે જનાબ, તમે બસ, તમે મારેલી બે-ચાર માખીઓ જમા કરાવી દો, એટલે પત્યું !

*** 

અને સાહેબો, બિચારા રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધીને ‘નેશનલ હેરાલ્ડ’ અખબારના કેસમાં શા માટે હેરાન કર્યા કરો છો ? એમને કહો કે કાલે ને કાલે છાપાંની 20 કિલો પસ્તીનો દંડ ભરી દે !

*** 

હકીકતમાં પ્રોબ્લેમ તો દંડની જોગવાઈના કાયદાઓ વરસો પુરાણા થઈ ગયા છે એમાં છે ને ? 

તો એક કામ કરો, એ દંડમાં વરસો સુધી ‘મોંઘવારી ભથ્થું’ નહીં વધારનાર તંત્રોને કહો કે તાત્કાલિક 20 પૈસા દંડ ભરી દે !

***

- મન્નુ શેખચલ્લી

Comments