શહેરોમાં ભરાયેલાં પાણીથી થાક્યા હો તો આવો, જરા સાથે બેસીને ભજિયાં સાથે ભજિયાંની ગઝલ માણીએ…
***
આમ તો કોમનમેનનો
આ સ્વાદ છે ભજિયાં
તે છતાં મેઘરાજનો
પરસાદ છે ભજિયાં !
***
ભૂલા પડેલા રાહગિરને
સાચા રસ્તે લાવે છે
સુગંધ તાણીને લાવે, જ્યાં
ગરમ તળાય છે ભજિયાં !
***
તરી આવ્યા ભવસાગર ?
અહમ્ પણ તણાયો છે ?
શહેરી ઘોડાપુર પછી
પુનર્જન્મ કરાવે છે ભજિયાં !
***
ગયા જનમનાં પૂણ્ય હશે
કે આ જનમની ભલાઈ
વરસાદ પડતાં જ જેની પત્ની
તળી આપે ગરમ ભજિયાં !
***
પૂણ્યો ખૂટી પડ્યાં હશે
કે કરમ કાળાં કર્યાં હશે
જેને લાઈનમાં ઊભવા છતાં
દુકાને ખૂટી પડે ભજિયાં !
***
અવગતે જે જાય છે
સંસારને માણ્યા વિના
ચટણી બની જનમે છે તે
સજા છે, ખા હવે ભજિયાં !
***
હતા કંઈક એવા માનવી
જેનાં તપો તપતાં રહ્યાં
બારમાના ભોજનમાં
લાડુ સંગ, હોય છે ભજિયાં !
***
આ સૃષ્ટિના સંગીતમાં
જુગલબંધી અજબ ભાળી
રિમઝિમ રિમઝિમની સાથે
છમછમ કરે ભજિયાં !
***
હો ભલે બંધાણ ચ્હાનું
કે બીયર-મદિરાનું
હર મહેફિલમાં અલગ છતાં
‘કોમન’ હોય છે ભજિયાં !
***
હો રંગ-રૂપ જુજવાં છતાં
એ પીળું… ‘હેમ’ હોયે છે
ભલે મેથી, ફૂલાવર, કંદ થકી
બનતાં રહે ભજિયાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment