વરસાદ અને ભૂત !

મસ્ત મજાનો વરસાદ પડતો જોઈને ભૂરા અને જીગાને દારૂની તલબ લાગી. બન્ને જણા પકિયાની કાર લઈને કમલીના અડ્ડે પહોંચી ગયા.

ત્યાં બેઠાં બેઠાં પીતાં પીતાં રાત પડી ગઈ. દરમ્યાનમાં વરસાદ કહે મારું કામ ! એ ધોધમાર વરસતો રહ્યો. આખરે કમલીએ અડ્ડો બંધ કર્યો ત્યારે મધરાતે ભૂરો અને જીગો કાર લઈને નીકળ્યા.

રસ્તો સૂમસામ હતો. દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નહોતું. ઉપરથી ઝરમર વરસાદ ચાલુ જ હતો.

એવામાં એક સૂમસામ ઠેકાણે કાર બંધ પડી ગઈ ! ભૂરો ગભરાયો : ‘જીગા ! અહીં તો ભૂત થાય છે !’

એ જ ક્ષણે કડાકાભેર વીજળી પડી ! બન્ને જણા જુએ છે તો બારીના કાચમાં એક લાંબી દાઢીવાળો ભેદી દેખાતો ડોસો કમરથી ઝૂકીને ઊભેલો દેખાયો !

બન્ને જણા ફફડી ગયા ! ડોસાએ કાચ નીચે કરવાનો ઈશારો કર્યો… ભૂરાએ ડરતાં ડરતાં કાચ નીચે કર્યો. ડોસો ઘોઘરા અવાજે બોલ્યો :

‘તમારી પાસે કંઈ બીડી સિગારેટ હશે ?’

ભૂરાએ સિગારેટનું પાકિટ ડોસાને આપી દીધું અને ધ્રુજતા અવાજે જીગાને કહ્યું, ‘ભગાવ… ગાડી ભગાવ…’

જીગાએ કાર સ્ટાર્ટ કરી, એક્સીલરેટર દબાવ્યું… કાંટો 40ની સ્પીડ બતાડતો હતો…. પણ આ શું ?

પેલો ડોસો હજી બારીમાં જ દેખાતો હતો ! બન્ને જણા પરસેવે રેબઝેબ થઈ ગયા !

થોડી ક્ષણો પછી ડોસો દેખાતો બંધ થયો છતાં જીગાએ સ્પીડ ઘટાડી નહીં. ત્યાં તો વીજળીનો જોરદાર કડાકો થયો.. અને આ શું ?

ડોસો કારની સામે ઊભો હતો !

બન્ને ફફડી ગયા. ડોસો બારી પાસે આવીને બોલ્યો ‘માચીસ તો આપી જ નહીં !’

ભૂરાએ ફટાફટ માચીસ આપીને જીગાને કહ્યું ‘ઝટ ભગાવ ! ભગાવ !’

કારનો કાંટો 80ની સ્પીડ બતાડતો હતો… ત્યાં પેલો ડોસો ફરી બારીમાં દેખાયો ! એ બોલ્યો :

‘સાહેબ, તમારી કીચ્ચડમાં ફસાયેલી કારને ધક્કો મારી આપું ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments