છોકરી, છોકરો અને ઈંગ્લીશ !

એક તો છોકરી હોય, અને ઉપરથી ઇંગ્લીશમાં બોલે ! એટલે કેવો વટ પડે ? બીજી બાજુ બિચારો છોકરો ગુજરાતીમાં કંઈ પણ બોલે, એની કશી વેલ્યુ જ ક્યાં છે ? જુઓ…

*** 

છોકરી લટકા મટકા કરીને સ્હેજ ઊંચા અવાજે કહે કે ‘એક્સક્યુઝ મિ ?’
- એમાં તો અડધો ડઝન લોકો ‘યસ મેડમ’ ‘જી મેડમ’ કરતાં કરતાં હાંફળા ફાંફળા થઈ જાય !

અને છોકરો ? એ બિચારો ગમે એટલું ‘ભઈ સાંભળો…’ ‘કહું છું સાંભળો…’ ‘અરે, સાંભળોને ?’ કર્યા કરે… એની સામે કોઈ જોશે પણ નહીં ! ઉલ્ટું કોઈ કહેશે : ‘હવે હાલતીનો થા ને ?’

*** 

છોકરી સ્માઈલ આપીને કહે કે ‘થેન્ક યુ સ્સોઓ મચ !’
- એમાં તો બધા જાણે મોટા શાહુકાર થઈ જાય ! કોઈ કહેશે ‘ઇટ્સ ઓકે’ બીજો કહેશે ‘યુ આર વેલકમ !’ ત્રીજો તો કહેશે ‘યે તો મેરા ફર્ઝ થા !’

અને છોકરો ? એ બિચારો ગુજરાતીમાં કહે કે ‘તમારો ઘણો આભાર હોં ?’ તો જાણે દુકાન આગળ ભિખારી આવ્યો હોય એમ તોછડાઈથી જવાબ આપશે : ‘ઠીક છે, ઠીક છે… આગળ જાવ..’

*** 

છોકરી આંખો પટપટાવીને સ્હેજ ઝુકીને જ્યાં બોલી નથી કે ‘ઓહ આઈ એમ સો સોરી !’
- એમાં તો જાણે બધા પૃથ્વીરાજ બનીને મહંમદ ઘોરીને માફ કરતા હોય એવી અદામાં કહેશે ? ‘ના ના, ઇટ્સ ઓકે, હોં ? વાંધો નંઈ !’

પણ છોકરો ? એ સાડી સત્તર વાર કાન પકડીને ઊઠ-બેસ કરીને ય કહે કે ‘માફ કરજો ભૈશાબ !’ તોય એની સાથે બાપે માર્યા વેર હોય એમ હડે હડે કરીને કહેશે ‘જા જા હવે ! આ ફેરી જાવા દીધો છે.. બાકી, તારા ટાંટિયા ભાંગી ગ્યા હોત !’

***

- મન્નુ શેખચલ્લી

Comments