ધારો કે... ? ધારો કે... ?

અમુક વાર અમારા નવરા દિમાગમાં જાતભાતના તુક્કા ઊગે છે ! ક્યારેક એના સ્ટુપિડ તરંગોમાં જવાબો પણ મળે છે… બોલો.

*** 

તુક્કો : ધારો કે આપણને સૌને પૂંછડી ઊગતી હોત તો ?

તરંગ : તો બાળકો માટે સ્પેશીયલ પૂંછડી-ગાર્ડ બનતાં હોત. પુરુષો માટે પૂંછડી શેવિંગ ક્રીમ, પૂંછડી હેર-ઓઈલ અને પૂંછડી ટ્રીમર-શેવર વગેરે મળતાં હોત !
સ્ત્રીઓ માટે તો અઢાર જાતનાં હેર-ઓઈલ, શેમ્પુ, સ્ટ્રેટનર, કર્લર, હેર-કલર, હેર-ડાઈ અને પૂંછડી-હેર ગ્રુમિંગ બ્યુટિ પાર્લરો હોત !
એ તો ઠીક, સ્ત્રીઓની અમુક હેર સ્ટાઈલો એવી હોત કે માથાના વાળનો લાંબો ચોટલો બનાવીને તેને પૂંછડીને સાથે જોડીને જાતજાતની ‘કેશભૂષા’ કરવામાં આવતી હોત !

*** 

તુક્કો : ધારો કે આપણને સૌને માથાનાં પાછળના ભાગમાં પણ આંખો હોત તો ?

તરંગ : પહેલી વાત તો એ કે તમામ વાહનોમાં રિયર-વ્યુ મિરર  હોત જ નહીં ! એ સિવાય…
- લોકો તમારી ‘પીઠ પાછળ’ વાત નહીં કરી શકતા હોત.
- પીઠ પાછળ છૂરો પણ ના ભોંકી શકાતો હોત.
- લોકો રિવર્સમાં ચાલી અને દોડી શકતા હોત.
- અરે, રિવર્સમાં દોડવાની સ્પર્ધા ઓલ્મિપિકમાં રમાતી હોત !
- અને હા, કારની પાછળ ટેઈલ-લાઈટ્સ નહીં, ત્યાં પણ હેડલાઈટ્સ લગાડેલી હોત !

*** 

તુક્કો : ધારો કે આપણે સૌ જે ધારીએ એ બધું જ કરી શકીએ તો ?

તરંગ : જો એવું જ થાય તો રાહુલ ગાંધી અને કંગના રાણાવત પણ એક એક દિવસ માટે ભારતના વડાપ્રધાનો બનીને આપણા માથે ટીચાયા હોત !

***

- મન્નુ શેખચલ્લી

Comments