અહીં કવિ પાગલ છે !

હિન્દી ફિલ્મોના અમુક ગાયનોમાં કવિને જાતજાતની માનસિક તકલીફો (સાયકોલોજીકલ ડિસ-ઓર્ડર) યાને કે પાગલપણાના દૌરા પડ્યા હોય એવી શંકા જાય છે ! જરા હોસ્પિટલના મેન્ટલ વોર્ડમાં નજર તો કરો ?

*** 

‘દુનિયા પાગલ હૈ, યા ફિર મૈં દિવાના,
ચાહતી હૈ મુજ કો યે જુલ્ફોં મેં ઉલઝાના…’

- અહીં કવિને માથાના વાળનો ‘ફોબિયા’ છે ! કવિને સતત લાગ્યા કરે છે કે આ દુનિયા એને છોકરીઓના વાળની લાંબી લાંબી જુલ્ફોની જાડી જાડી આંટીઓ બનાવીને એમના પગમાં ભેરવીને ફસાવી મારવાનાં કાવતરાં ઘડી રહી છે ! (અહીં કવિ કદાચ ખિસ્સામાં કાતર લઈને ફરતા હશે !)

*** 

‘લે ગઈ દિલ, ગુડિયા જાપાન કી, પાગલ મુઝે કર દિયા…’

- અહીં કવિને કોઈ જાપાનિઝ ઢીંગલી સાથ 'ઓબ્સેસિવ એટ્રેક્શન સિન્ડ્રોમ’ છે ! એ બિચારા બાળપણથી એક ઢીંગલીના પ્રેમમાં છે અને આજે 60 વરસના ઢાંઢા થઈ ગયા હોવા છતાં એમને ભ્રમ છે કે પેલી જાપાનની ઢીંગલી એમનું દિલ ચોરીને ફોરેન જતી રહી છે ! (અહીં કવિ ખિસ્સામાં ઢીંગલીને આપવાની ‘ચાવી’ લઈને ફરી રહ્યા છે !)

*** 

‘મૈં જટ યમલા, પગલા દિવાના… ઓ રબ્બા ઇતી સી બાત ન જાના.. કિ વો મૈનું પ્યાર કર દી હૈ, સડ્ડે ઊઠ્ઠે વો મરતી હૈ…’

- અહીં મેન્ટલ વોર્ડમાં રહેલા કવિને ‘રિપિટેટિવ ડેથ ઇલ્યુઝન સિન્ડ્રોમ’ નામનો રોગ થયો છે ! જેમાં કવિને એમ લાગે છે કે યાર, મારી પ્રેમિકા રોજ સવાર પડે, ને જ્યારે ઊઠે છે, ત્યારે રોજ મરી જાય છે !! (સડ્ડે ઉઠ્ઠે વો મરતી હૈ) 

આમાંને આમાં કવિ મેન્ટલ વોર્ડની બગડી ગયેલી ટ્યુબ લાઈટ સામે જોઈને પોતાનું કપાળ કુટ્યા કરે છે કે યાર, મને આટલી સીધી સાદી ‘લાઈટ’ કેમ ના થઈ ?

(અહીં કવિ રોજ હોસ્પિટલના મોર્ગ-રૂમમાં જવા માગે છે પણ કોઈ જવા નથી દેતું.)

***

- મન્નુ શેખચલ્લી

Comments