12મું પાસ કર્યા પછી 8-10 લાખ રૂપિયાની ફી ભર્યા પછી પણ જો બેકાર જ રહેવાનું હોય તો એના કરતાં અમુક લેટેસ્ટ ઘેર-બેઠાં-મોબાઈલ-કોર્સ શા માટે ના કરી લેવા જોઈએ ? જુઓ નમૂના…
***
MGA = માસ્ટર્સ ઈન ગ્રુપ – એડમિન
આમેય તમે ગામમાં રોલા મારવા માટે સાત-આઠ ગ્રુપનાં એડમિન બનીને ફરો છો તો આ નવરી બજારનો કોર્સ કરી લો ને ? વીસ પચ્ચીસ ગ્રુપોમાં 1000-2000 જેટલા લોકોને ભેગા કરીને ભાજપના ‘લેટેસ્ટ’ પેજ-પ્રમુખ કરતાં પણ વધારે વટ પાડી શકશો.
***
DTI = ડિપ્લોમા ઈન ટ્રોલ-ટપોરીંગ
પાનના ગલ્લે ઊભા રહીને મોદીથી લઈને મલઈકા સુધીની સેલિબ્રિટીઓની પત્તર ખાંડવા કરતાં ટ્વિટરમાં ‘ટ્રોલર’ થઈ જવું શું ખોટું ? દેશમાં આજે દરેક વાતે વાંકુ પાડનારા, ટીકા કરનારા, ગાળો દેનારા અને ધમકી આપનારાઓની ભારે ડિમાન્ડ છે. અત્યારે આ કોર્સ કર્યો હશે તો કાલે ઊઠીને આમાં પણ પૈસા મળશે…. ઘેર બેઠાં !
***
SMIT = સોશિયલ મિડીયા ઈન્ફ્લુએન્સર ટેકનોલોજી
સમાજ ઉપર પ્રભાવ પાડવા માટે હવે ‘પ્રભાવશાળી’ બનવાની જરૂર જ ક્યાં છે ? વિચિત્ર કપડાં પહેરો, વિચિત્ર ચહેરા બનાવો, અવળચંડા વિધાનો કરો, ડાન્સ કરો, ગાઓ, ઠેકડા મારો… આ બધું કરવાથી તમે ‘ઇન્ફ્લુએન્સર’ બનીને બે પૈસાની (અથવા ત્રણ પૈસાની) કમાણી પણ કરી શકો છો !
***
CFA = ક્રિએટર ઓફ ફેક એકાઉન્ટ્સ
જુઓ બોસ, આજે તો ભલભલી મોટી હસ્તિઓને પણ લાખોની સંખ્યામાં ફોલોઅર્સ જોઈએ છે. યુ-ટ્યુબમાં પણ લાઈક-શેર-સબસ્ક્રાઈબ કરનારાઓની ભારે ડિમાન્ડ છે. ફેસબુકમાં તો રૂપિયા આપતાં ય ફ્રેન્ડઝ ક્યાં મળે છે ? એટલે આ નવો ધંધો શીખવા માટેનો કોર્સ કરી લો, પછી ચાંદી જ ચાંદી છે !
***
NBNV અને PPNGNN
આ બન્ને પીએચડી સમાન ડીગ્રીઓ એટલે... NBNV = ‘નવરો બેઠો નખ્ખોદ વાળે…’ અને PPNGNN = ‘પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં’ !
આજે જ એપ્લાય કરો… વહેલો, તે પહેલો નવરો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment