તમે હજી 'એટલા' ઘરડા નથી !

આજના સિનિયર સિટીઝનોનો પ્રોબ્લેમ શું છે કે પોતે ઘરડા થઈ ગયા છે એ સ્વીકારવું નથી અને બીજાઓને ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ ટાઈપનું જ્ઞાન વોટ્સએપમાં ફોરવર્ડ કર્યા કરે છે !
જોકે આશ્વાસનની વાત એ છે કે તમે હજી ‘એટલા’ ઘરડા નથી થયા…

*** 

બન્ને ઘુંટણમાં Knee રિપ્લેસમેન્ટનાં ઓપરેશન કરાવ્યાં પછી…
વોટ્સએપમાં કોઈ 85 વરસનાં માજીને એવરેસ્ટ ઉપર ચડતાં જોઈને…

તમને ચાર માળના દાદરા જાતે ચડી જવાનું શૂર ચડે…

અને બીજા જ માળના દાદરે ઘુંટણને કારણે નહીં પણ ફૂલી ગયેલાં ફેફસાંને કારણે તમે અટકી જાવ…

- તો સમજવું કે તમે હજી ‘એટલા’ ઘરડા થયા નથી !

*** 

જિંદગીના બચેલાં વરસોમાં તો બસ મોજ જ કરવી છે એમ માનીને…

તમે સાંજ પડ્યે મોટા અવાજે તમારા કેરીઓકે માઈકમાં ‘ઓ દુનિયા કે રખવાલે..’ ગાતા હો…

અને પાડોશમાંથી બૂમ સંભળાય કે ‘એ… આગળ જાઓ, છૂટ્ટા નથીઈઈ…’

- તો સમજવું કે હજી તમે ‘એટલા’ ઘરડા થયા નથી !

*** 

બન્ને આંખનો મોતિયો ઉતરાવ્યા પછી, નવા ચશ્માના કાચમાંથી…

હમણાં જ આવેલી કંકોત્રીમાં લખેલાં પંદર સત્તર નામો ઝીણવટથી વાંચતાં વાંચતાં…

અચાનક ખ્યાલ આવે કે જુવાનીમાં જેની સાથે સગાઈ થતાં થતાં રહી ગઈ હતી એ…

આ લગ્નમાં જરૂર આવશે ! એમ વિચારીને જો તમે ‘ઓનલાઈન’ ચાંલ્લો મોકલી આપવાને બદલે…

જાતે જ લગ્ન એટેન્ડ કરવાનું નક્કી કરો…

- તો સમજવું કે તમે હજી ‘એટલા’ ઘરડા થયા નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments