બોલો, પિક્ચરોની ટિકીટનાં કાળાબજાર કરનારો ‘વર્લ્ડ-ફેમસ’ કાળાબજારીયો કોણ થઈ ગયો ?
અરે ભાઈ, છોટા રાજન !
મુંબઈના ચેમ્બુર એરિયામાં જન્મેલો આ છોકરો પોતાની નાનકડી ગેંગ બનાવીને એ એરિયાના થિયેટરોની બહાર ટિકીટોનાં કાળાબજાર કરતો હતો. (ફિલ્મ ‘રઇસ’માં શાહરૂખ ખાન કહે છે એમ ‘મેરી માં કહતી થી કિ કોઈ ભી ધંધા છોટા નહીં હોતા !’)
હવે સ્વાભાવિક છે કે ટિકીટોના બ્લેક કરતી વખતે એ પોલીસોને બાકાયદા હપ્તા પણ આપતો જ હતો. પરંતુ નવા આવેલા એક ઇન્સ્પેક્ટરે હપ્તો વધારવાની માગણી કરી. છોટા રાજને ઘસીને ના પાડી દીધી. એમાં ઇન્સ્પેક્ટરની છટકી. એણે હવાલદારોને થિયેટર ઉપર ડંડાવાળી કરવા માટે મોકલ્યા. પણ છોટા રાજનને પોતાના પેટ ઉપર 'લાત અથવા ડંડો' બન્ને મંજુર ના હોવાથી એ પોતાના ટપોરીઓને લઈને હવાલદારો ઉપર તૂટી પડ્યો. આમાં બિચારા હવાલદારો એટલા ઢીબાઈ ગયા કે અમુકનાં હાડકાં ભાગી ગયાં !
છોટા રાજનની આ ‘બહાદૂરી’ની કહાણી તે સમયના અંડરવર્લ્ડમાં ફેમસ થઈ ગઈ. નવા સવા આવેલા છોકરાની આટલી બધી હિંમત ? મારામારી માટેની નાની સજા ભોગવીને જ્યારે છોટા રાજન બહાર આવ્યો ત્યારે બડા રાજન નામના ગુંડાનું તેની ઉપર કહેણ આવ્યું. (હકીકતમાં તો છોટા રાજનની એન્ટ્રી થયા પછી જ બડા રાજનને ‘બડા’નું બિરૂદ મળ્યું હતું. જે પરાક્રમને હિસાબે નહીં પણ ઉંમરમાં સિનિયોરીટીને કારણે હતું.)
ખેર, એ પછી તો છોટા રાજને બડા રાજનને ઉથલાવીને તેની ગેંગ ઉપર કબજો કરી લીધો અને આગળ જતાં તે દાઉદ ઇબ્રાહિમને ડાબો અથવા જમણો હાથ બની ગયો હતો. છોટા રાજનની માસ્ટરી ગુંડાગર્દી કરતાં રૂપિયા આના પાઈના હિસાબમાં વધારે હતી.
અત્યારે તો ખુદ સરકારે જ થિયેટરોની ટિકીટના ‘બ્લેક’ કરવાનું કાયદેસર કરી આપ્યું છે ! શનિ-રવિના શો હોય તો વધારે ભાવ અને સલમાન જેવા મેગા-સ્ટારનું મુવી હોય તો ચીરીને ચાર ગણા રૂપિયા પણ કઢાવી લેવાની છૂટ ! પછી ભલે એની ઉપર 18 ટકા GST ભરી દો, એટલે કમાણી થઈ જાય વ્હાઈટ !
અગાઉના જમાનામાં એવું નહોતું. બ્લેકની કમાણી બ્લેક જ રહેતી અને એની આખી ચેઈન રહેતી હતી. ‘દો કા દસ… દો કા દસ…’ એવા કર્કશ છતાં ધીમા અવાજે જે ટિકીટોનાં બ્લેક થતાં હતાં એમાં પોલીસનો હપ્તો તો ખરો જ. ઉપરથી થિયેટરના માલિકનું પણ કમિશન હોય, ફિલ્મનો ડિસ્ટ્રીબ્યુટર પણ એમાંથી કટકી કાઢતો અને મોટા બજેટની મોટા સ્ટારવાળી ફિલ્મ હોય તો ખુદ પ્રોડ્યુસર એમાંથી ‘ભાગ લેત્તા !’ કરીને ઊભો રહી જતો હતો ! (તમે સમજો યાર, આ બધો હિસાબ ગણીને જ છોટા રાજને પેલા ઇન્સપેક્ટરને ‘ઘસીને’ નહીં પણ ‘ગણીને’ ના પાડી હશે ને?)
આમ કરતાં કરતાં એક ટાઈમ એવો આવ્યો કે ફિલ્મના શરૂઆતનાં વીકમાં જો ટિકીટોનાં બ્લેક ના થતાં હોય તો લોકો એમ માનતા કે ‘યાર, પિક્ચર ભંગાર લાગે છે !’ આના કારણે ફિલ્મની ‘ઇમેજ’ ટકાવી રાખવા માટે પણ બ્લેક કરવામાં આવતાં હતાં ! પછી ભલે છેલ્લી ઘડીએ ‘ભાવોભાવમાં’ ટિકીટો કાઢી નાંખવી પડે !
મારો એક દોસ્તાર આ ‘ડિમાન્ડ એન્ડ સપ્લાય’ની ગેમને ઓળખવામાં બહુ ચેમ્પિયન બની ગયેલો. એની ધીરજને અને નિરમાની એડવાળી દિપીકા ચિખલીયા જેવી ‘પારખી નજર’ને સલામ કરવી પડે !
એ જોયા કરે કે બોસ, શો શરૂ થઈ ગયો છે… હવે જાહેરાતો ચાલતી હશે… હવે પેલું ન્યુઝ રીલ ચાલું થયું હશે… અને હવે નંબરિયાં પડવાનાં ચાલુ થયાં હશે… મનમાં ને મનમાં નંબરિયાં ક્યારે પતે એની પાક્કી ગણત્રી કરતો એ પેલા કાળાબજારીયા પાસે જાય અને કહે ‘હવે તો નંબરિયાં બી પતી જવા આયાં ! બોલ, ભાવોભાવમાં આલવી છે ?’
ઘણીવાર તો એ અઢી રૂપિયાની ટિકીટો બબ્બે રૂપિયામાં લઈ આવતો હતો !
ભલું થજો દેવઆનંદનું કે આ દોસ્તનો જનમ થોડો મોડો થયો. બાકી, ‘કાલાબાઝાર’ ફિલ્મમાં આવો એકાદ સીન નાંખવો જ પડ્યો હોત !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment