મોનોગામીના ભોળા સવાલો !

વડોદરામાં એક યુવતીએ પોતે પોતાની જ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી એમાં ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે.
અમારે કોઈ વિરોધ નથી કરવો પણ અમને કેટલાક ભોળા, નિર્દોષ અને સ્ટુપિડ સવાલો થઈ રહ્યા છે… 

*** 

પહેલું તો એ કે હવે પછી તમારું નામ શી રીતે લખાશે ? શ્રીમતી ફલાણાં ? શ્રીમાન ફલાણાં ? કે મિસ્ટર એન્ડ મિસિસ ફલાણાં ?

*** 

પછી તો બીજું આધારકાર્ડ પણ જોઈશે ને ? એના માટે નવું બર્થ-સર્ટી જોઈશે ? કે આ જ ચાલશે ? અને હા, બે ‘વોટ’ નાંખવા મળશે ખરા?

*** 

આ લગ્ન તમે એક્ઝેક્ટલી પોતાની સાથે કઈ રીતે કરવાના ? સામે અરીસો રાખીને ? અરીસાને હાર પહેરાવીને ?

*** 

અને ફેરા શી રીતે ફરશો ? હાથમાં અરીસો ઝાલીને ? કે અરીસો વ્હીલચરમાં મુકાવશો ?.... બહુ લોચા છે, નહીં !

*** 

વળી, ધારો કે લગ્ન-જીવનમાં ઝગડા થાય, મારામારી થઈ જાય, તો દવા શી રીતે લગાડશો ? અમિતાભ બચ્ચન ‘અમર અકબર એન્થની’માં અરીસા ઉપર બેન્ડ-એઈડ પટ્ટી મારે છે, એ રીતે ?

*** 

જોકે તમે પતિ-પત્ની અંદરોઅંદર જે વાતો કરશો એની ‘ચિંતનાત્મક’ ચોપડી તો બહાર પાડશો ને ?... ‘જાત સાથેની વાત’ ?

*** 

તમે તમારી જ સાથે પરણશો પછી તમે તમારા મમ્મી પપ્પાને શું કહીને બોલાવશો ? સાસુ-સસરા ?

કે પછી કોમ્બિનેશનમાં… ‘મમ્મી-સાસુ’ અને ‘પપ્પા-સસરા’ !

(ઓળખાણ પણ આ રીતે કરાવી શકાય કે ‘આ મારા મમ્મી-સાસુ છે અને આ મારા પપ્પા-સસરા છે !’)

*** 

બીજું બધું તો સમજ્યા, પણ જો તમને તમારી સાથે જ નહીં ફાવે તો છૂટાછેડા શી રીતે કરાવશો ? 

અને તમારા ‘ફોલોઅર્સ’ કોની સાથે જશે? કેમકે આખો ખેલ તો ફોલોઅર્સ માટે જ છે ને !

***

- મન્નુ શેખચલ્લી

Comments