ફિલ્મોના રિવ્યુ લખીને ફેસબુકમાં ફેમસ બની ગયેલા ‘ક્રિટિક્સ’ માટે હવે ‘બિઝનેસ એક્સ્પાન્શન’નો સમય આવી ગયો છે ! હવે તો ટ્રેલરોના પણ રિવ્યુ લખાય છે ! એ પણ છાપાનું અડધું પાનું ભરાય એવડા મોટા !
અમને લાગે છે કે જતે દહાડે ફિલ્મ કરતાં ટ્રેલરોનો જ મહિમા વધી જશે ! એ વખતે શું જોવા મળશે ? જુઓ આ કલ્પના…
***
આમિરખાને કહ્યું કે ‘મેં દાઢી વધારવામાં આટલાં વરસ બગાડ્યાં એના કરતાં દસ-બાર ટ્રેલરો બનાવી નાંખ્યા હોત તો વધારે ફેમસ રહ્યો હોત !’
***
કરણ જોહરે કહ્યું છે કે હવે સ્ટાર સંતાનોને લોન્ચ કરવા માટે તે દર મહિને એક નવી ફિલ્મનું શાનદાર ટ્રેલર જ બનાવશે !
***
યશ રાજ ફિલ્મ્સે તો ઘોષણા કરી દીધી છે કે આવનારાં વરસોમાં તેઓ ફિલ્મો બનાવવા કરતાં ટ્રેલરો બનાવવામાં વધારે ખર્ચો કરશે !
***
અક્ષય કુમારે કહ્યું છે કે તે અચાનક બિઝી થઈ ગયો છે. પ્રોડ્યુસરો હવે ટ્રેલરો માટે વધારે ડેટ્સ માંગી રહ્યા છે !
***
દરમ્યાનમાં ‘ફેસબુક ટ્રેલર વિવેચક મંચ’ના સભ્યોએ માગણી કરી છે કે દરેક ટ્રેલરની છેલ્લી ફ્રેમમાં જે ઝીણા ઝીણા અક્ષરે 50 નામો લખેલાં હોય છે તે વાંચવા માટે પ્રોડ્યુસરોએ વિવેચકોને ફ્રીમાં મેગ્નિફાઈંગ ગ્લાસ આપવો જોઈએ !
***
દરમ્યાનમાં એક પ્રોડક્શન આસિસ્ટન્ટે આરોપ મુક્યો છે કે મારી સાથે દગો થયો છે ! છેલ્લી ફ્રેમમાં મારું નામ બીજી લાઈનમાં મુકવાનું મને વચન આપ્યું હતું છતાં મારું નામ ચોથી લાઈનમાં મુક્યું છે ! આ બાબતે હું કોર્ટમાં જઈશ !
***
આ બધા વચ્ચે KRK (કમાલ આર ખાન) કહે છે કે ભલે ફિલ્મ સારી નીકળે, ટ્રેલરના રિવ્યુ તો હું લાખો રૂપિયાની ઓફર હોવા છતાં મારા હિસાબે જ આપીશ !
***
અને કંગના રાણાવતે કહ્યું છે કે ટ્રેલરના વ્યુઝ કરતાં ‘ન્યુઝ’ ચેનલના ‘વ્યુઝ’ જ મારું સ્ટારડમ ટકાવી રાખશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment