એક જમાનામાં લાગણીઓ દુભાવાનો જે આપણો નાનકડો ‘ગૃહઉદ્યોગ’ હતો તે હવે ‘ઇન્ટરનેશનલ’ લેવલનો બિઝનેસ બની ગયો છે.
અગાઉ તો બિચારા અલગ અલગ દેશોના રાજદૂતો અને નેતાઓ એકબીજા સાથે વેપાર અને સાંસ્કૃતિક સંબંધે જોડાવા માટે ફોરેન ટુરો કરીને હસ્તાક્ષરો કરતાં ફોટા પડાવતા હતા પણ હવે તો એમાં લાગણીઓ ઉમેરાઈ ગઈ છે !
બિચારા ગુજરાતી કવિઓને તો કલ્પના ય ક્યાંથી હોય કે જે લાગણીઓ બિચારી આંગળીઓના ટેરવે જ ફૂટતી હતી એ સાલી, હવે ફોરેનની ન્યુઝ ચેનલોમાં ફૂટવા મંડી છે !
જોવાની વાત એ પણ છે કે સાલું ઇમ્પોર્ટન્સ તો ‘દુભાયેલી’ લાગણીઓનું જ છે ! જસ્ટ વિચાર કરો, શું આપણે આંતરરાષ્ટ્રિય સંબંધો સુધારવા માટે દુભાયેલું ઓઈલ, દુભાયેલી ખાંડ કે દુભાયેલાં સાંભાર મસાલાનાં કદી આદાન-પ્રદાન કરતા હતા ? નહીં ને ? પણ લાગણીઓ તો દુભાયેલી જ જોઈએ !
આમાં બિચારા કવિઓ ફરીથી થાપ ખાઈ ગયા ! દૂભાયેલી-દૂણાયેલી-કોહ્યલી, ગંધાતી, સડેલી લાગણીઓ વિશે કવિતાઓ કરી જ નહીં ! જોકે હજી ચાન્સ છે. પેલાં ટેરવાંને ટીવીના રિમોટ ઉપર મુકી જુઓ, કદાચ ‘પ્રેરણા’ મળે પણ ખરી.
લાગણીઓના આ નવા ઉદ્યોગની ખાસિયત એ છે કે એને વ્યવસ્થિત રીતે દુભાવતાં આવડવું જોઈએ. પછી દુભાયેલી લાગણીઓના પાકને લણતાં આવડવું જોઈએ. અહીં તેના અલગ અલગ એકસ્પર્ટો છે. અમુક લોકોને ‘દુભાવતાં’ સરસ આવડે છે તો અમુક લોકોને ‘લણતાં’ સારું આવડે છે. એમની વચ્ચે અમુક ખાસ સબ એકસ્પર્ટો છે જે ‘લણલણાવતાં’ પહેલાં આ લોકો લાગણીઓને ગણી ગણીને ‘ગણગણાવમાં’ બહુ મોટી કરી બતાડે છે.
ત્યાર બાદ એજન્ટો હોય છે જે ‘ગણગણાયેલી’ લાગણીઓને ‘ધણધણાયેલી’ લાગણીઓનું પ્રચંડ સ્વરૂપ આપી શકે છે. એકવાર લાગણીઓ ‘ધણધણાયેલી’ બની જાય પછી મહિનાઓ લગી તેને નાનાં મોટાં પ્રકારના જંતુઓ ‘બણબણાયેલી’ રાખે છે. છેવટે અમુક ચોક્કસ સિઝન આવે ત્યારે ઊંચે બેઠેલાઓ તેને મબલખ ઊભા મોલની માફક ‘લણલણાવી’ નાંખે છે.
હવે જો તમે આ ‘લણલણાટી’ની ‘હણહણાટી’થી કંટાળ્યા હો તો બોસ, સિમ્પલ ભાષામાં એનો ઇતિહાસ સમજી લો. લાગણીઓ દુભાવાના ઈતિહાસ લખનારાઓ કહે છે કે સોળમી સદીમાં લગ્નપ્રસંગે ફૂવા, જમાઈ કે મામાસસરાઓ દાળમાં માખી આવી પડવાથી કે પાથરણાં નીચે કાંકરો આવી જવાને કારણે જે રીસાઈ જતા હતા ત્યારથી જ લાગણીઓના દુભાવાની શરૂઆત થઈ હોવાનું મનાય છે.
બિચારા કવિઓ એને પ્રેમિકાના રિસાવામાં અને દિલના તૂટવામાં શોધતા રહ્યા પરંતુ લેટેસ્ટ સંશોધનો કહે છે કે સુંદર દેખાતી કેરીમાંથી ઈયળ નીકળવી તથા ઉડતા કાગડાની ચરક માથામાં પડવી એ પણ ઈયળ તથા કાગડાનાં જ લાગણી દુભાવવાના ‘ષડયંત્રો’ હોય છે. હિંદ મહાસાગરનું નામ હિંદ મહાસાગર પાડવા પાછળ પણ બારમી સદીના ભૂસ્તરશાસ્ત્રીઓની આખી કુટિલ યોજના હતી. કેટલાક મોસમી પવનો આજે પણ કેરળમાં પહેલાં વરસાદ પાડે છે અને ગુજરાતને ઓછાં ટીપાં ફાળવે છે તેની પાછળ દેશની લાગણી દુભાવવાની જ ચાલ છે. હવામાનશાસ્ત્રીઓ હવે બચી નહીં શકે.
અંગ્રેજીમાં એક શબ્દ છે ‘કેથાર્સિસ’. જેના બે અર્થ થાય છે. એક, લાગણીઓનો વિસ્ફોટ અને બીજો, લાંબા સમયની કબજિયાત પછી જે ધડાકાભેર ઝાડો થાય છે ને, તે !
(હવે આમ નાક ઉપર આંગળી મુકીને અમારી લાગણી ના દુભાવો, પ્લીઝ.)
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Hats off to you, sir!!!
ReplyDeleteThanks 🙏
ReplyDelete