જુઓ બોસ, બેસણું એ ગંભીર પ્રસંગ છે, એ વાતની ના જ નથી પરંતુ તમે જોજો, આવા ટાઈમે પણ અમુક લોકોનાં વર્તન જરા ફની જ હોય છે…
- અમુક લોકો પોતાને જન્મજાત VIP સમજતા હોય છે. આવા મહાનુભાવો બેસણામાં પણ એવી રીતે એન્ટ્રી મારશે કે જાણે અહીં ભેગી થયેલી ભીડ એમના માટે જ ભેગી કરવામાં આવી છે ! સામટા અડધો ડઝન ફોલ્ડરોની ફોજ સાથે ચારે બાજુ નમસ્કાર કરતા કરતા આ ભાઈ આવશે અને સદગતના ફોટા ઉપર ગુલાબની પાંખડીઓ ચડાવતાં પહેલાં ખાતરી કરી લેશે કે એમનો વિડીયો ઉતરી રહ્યો છે કે નહીં.
- બીજી બાજુ અમુક નમૂનાઓ એવા હોય છે કે એમને શરમાળ કહેવા કે ડરપોક, એ જ ખબર ના પડે ! આવા લોકો ચૂપચાપ આવીને પાછળની લાઈનમાં બેસી જાય છે. એ તો ઠીક, સદગતના ફોટા પાસે એટલા ઝડપથી આવીને જતા રહે છે કે જાણે સદગતનો આત્મા હમણાં જ એને પકડીને યમલોકમાં ખેંચી જવાનો હોય !
- આની સામે અમુક ‘સુપર ભાવિક’ નમૂના હોય છે. એમને સદગત સાથે એકસાથે નહાવાના કે અલગ અલગ વસ્ત્રો નીચોવવાના સંબંધ ના હોય છતાં ફોટા આગળ આંખ મીંચીને એટલી બધી વાર લગી ઊભા રહે છે કે પાછળ પંદર જણાની લાંબી લાઈન લાગી જાય છે.
- સદગતના ફોટા ઉપર ગુલાબની પાંખડીઓ ચડાવવી એ પણ એક કળા છે. આવું માનનારો નમૂનો કદી પોતાના ઘરેથી ‘ફૂલ નહીં તો ફૂલની પાંદડી’યે લાવતો નથી. છતાં ફોટા આગળ ઊભા રહીને ત્યાંની થાળીમાં જે ગુલાબની પાંદડીઓ પસંદ કરવામાં પૂરી સવા બે મિનિટ લગાડશે ! એટલું જ નહીં, ફોટા ઉપર પાંદડીઓ તો એવી રીતે ચડાવશે કે જાણે બધી પાંદડીઓ ‘સ્લો મોશન’માં ઊડીને ફોટા ઉપર પડવાની હોય.
- અમુક નમુના પ્રેક્ટિકલ ટાઈપના હોય છે. એવા લોકો ફોટા સામે મુકેલી થાળીમાં 100ની નોટ મુકશે અને પછી શાંતિથી, શોધી શોધીને 90 રૂપિયાના છૂટા પાછા લઈ લેશે. ઉપરથી પાછળવાળાને કહેશે ‘આ તો પાછું રીક્ષામાં જવાનું ને… એટલે !’
- આમ તો નોર્મલી, સદગતનાં જે ખાસ ખાસ સ્વજનો હોય એ બિચારા ગંભીર ડાચું કરીને બધા સામે હાથ જ જોડતા બેસી રહેતા હોય છે. છતાં અમુક નમુના એમની પાસે જશે, એમનો ખભો થાબડશે અને મોંમાં ખોસેલો મસાલો જીભ વડે સાઈડમાં ખસેડતાં કહેશે : ‘આમાંથી ફ્રી થાઓ એટલે પછી મલો, બોસ !’
- તમે ખાસ માર્ક કરજો, બેસણામાં આવનાર દરેક વ્યક્તિ પહેલાં તો સીધો પેલા ફોટા પાસે જશે. પાંદડીઓ ચડાવશે, સદગતનાં સગાં સામે હાથ જોડશે… પછી જાણે બધું પતી ગયું હોય એમ હાથ ખંખેરતાં પાછળ વળીને ઊભા ઊભા મંડપમાં ‘ઊડતી’ નજર નાંખશે કે અહીં કોની જોડે બેસીને ‘ખપાવી’ શકાય એવું છે ?
- આવા નમૂનાને પોતાની પાસે બોલાવવા માટે અમુક નમૂના એવા ઉત્સાહથી હાથ ઊંચો કરશે કે જાણે મોટેરા સ્ટેડિયમમાં એમના માટે સીટ રોકીને બેઠા હોય !
- વળી આવા નમૂના એકબીજાને તો એવા હરખથી મળશે કે જાણે લગ્ન-પ્રસંગમાં ભેગા થઈ ગયા હોય !
- મોટેભાગના નમૂનાને એ જાણવામાં રસ હોય છે કે ‘વડીલ શી રીતે ગયા?’ પરંતુ અમુક નમૂના એવા હોય છે કે સામેવાળો આખી સ્ટોરી શરૂ કરે ત્યાં વચમાં જ કાપી નાંખશે : ‘અરે બોસ, મારા મામા સસરા વખતે તો કેવું થયેલું, ખબર છે ?’
- જે હોય તે, છેલ્લે બહાર જતી વખતે ચકલાંને નાંખવા માટેની જે જારની કોથળીઓ આપે છે એ લેતાં લેતાં એકાદ નમૂનો તો મોટેથી બોલવાનો જ કે ‘બોલો, આવી તો સાત કોથળીઓ ઘરે ભેગી થઈ ગઈ છે ! બધી પડી જ રહેવાની ને ?’
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Suttick observation
ReplyDeleteThanks !
DeleteHave aana mate na y classes kholvana divso aavse k aa prasang ma kem behave karvu
ReplyDelete