ફિલ્મોમાં શરાબને લગતાં જે ગાયનો આવે છે એની પાછળ મૂળ સિચ્યુએશન શું હશે ? કલ્પના કરો તો ગમ્મત પડે એવું છે ! જુઓ…
***
‘મુઝે દુનિયાવાલો, શરાબી ના સમજો,
મૈં પીતા નહીં હું, પિલાઈ ગયી હૈ…’
- અહીં કવિની દારૂ પીવા બદલ ધરપકડ થઈ ગઈ છે ! જોકે કવિ બચાવમાં એમ કહેવા માગે છે કે એમના દોસ્તો જ્યારે બાટલી ખરીદતા હતા ત્યારે કવિને જરાક જ ચખાડીને પૂછેલું કે ‘કવિ જુઓ ને, કેમ લાગે છે ?’ એ પછી તરત રેઈડ પડી ! દોસ્તો ભાગી ગયા અને કવિ ઝડપાઈ ગયા ! હવે ફરી વાંચો એમનું બયાન…
***
‘શરાબી… શરાબી… મેરા નામ હો ગયા,
મેરા નામ કાહે કો, બદનામ હો ગયા..’
- અહીં કવિની ધરપકડ એટલા માટે કરવામાં આવી છે કે તેઓ ‘શરાબી’નું ઉપનામ રાખીને રોજ ફેસબુકમાં દારૂ વિશેની શાયરીઓ લખતા હતા ! અહીં પોલીસને શક છે કે કવિ સ્થાનિક બુટલેગરો માટે ‘એડવર્ટાઇઝિંગ’નું કામ કરી રહ્યા છે ! ફરી વાંચો કવિનો ખુલાસો…
***
‘પીતે પીતે કભી કભી યું જામ બદલ જાતે હૈં…’
- અહીં કવિને આગોતરી બાતમી મળી ગઈ છે કે દારૂની મહેફિલમાં પોલીસની રેઈડ પડવાની છે ! એટલે બરોબર એન્ડ ટાઈમે કવિએ સિફ્તથી ગ્લાસ બદલી નાંખ્યા છે ! હવે તે સાઈડમાં ઊભા ઊભા હાથમાં સોડા ભરેલો ગ્લાસ લઈને ભોળા બનવાનો દેખાવ કરી રહ્યા છે !
***
‘કૈસે રહું ચૂપ… કે મૈં ને પી હી ક્યા હૈ,
હોશ અભી તક હૈ બાકી..’
- અહીં એક કવિ-સંમેલનમાં એક પીધેલા કવિ માઈક છોડતા જ નથી ! એક બાજુ ઓડિયન્સ હુરિયો બોલાવે છે, બીજી બાજુ સંચાલકો માઈક છોડાવવા મથી રહ્યા છે… પણ કવિ ચૂપ રહેવાના મૂડમાં નથી !
***
‘મેં ને પી શરાબ… તુમ ને ક્યા પીયા ?
તુમ ને ક્યા પીયા ? આદમી કા ખૂન…’
- અહીં કોઈ 'ક્રાંતિકારી' ટાઈપના કવિને ભારે ગેરસમજ થઈ છે ! સામેવાળો તો બિચારો ‘બ્લડી મેરી’ નામનો રેડ વાઈન પી રહ્યો છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment