જ્યારે અમુક અનોખી ઘટનાઓ લગભગ એકસાથે બનવા માંડે છે ત્યારે જુની થઈ ગયેલી છતાં એવરગ્રીન રહેલી કહેવતો એની ઉપર બંધબેસતી દેખાય છે ! જુઓ નમૂના…
***
હાર્દિક પટેલે ભાજપમાં જોડાવા માટે ખાસ અલગથી સમારંભ કરાવડાવ્યો.
કહેવત : મારું એ મારું, ને તારું-મારું સહિયારું !
***
પંજાબમાં ગાયક મૂસેવાલાની હત્યા પછી અંડરવર્લ્ડની ગેંગો જાહેરમાં આમને સામને આવી ગઈ છે.
કહેવત : વીંછીનો દાબડો ખૂલી ગયો !
***
ખખડી ગયેલી કોંગ્રેસના પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીને ‘નેશનલ હેરાલ્ડ’ કેસમાં EDનું સમન્સ આવ્યું.
કહેવત : નબળી ગાયને બગાઈઓ ઝાઝી !
***
હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ બાબતે ભાજપના જ અમુક નેતાઓ નારાજ છે.
કહેવત : આવ પાણા, પગ ઉપર પડ !
***
પાકિસ્તાનની કથળી ગયેલી આર્થિક સ્થિતિમાં એમને પેટ્રોલ ડિઝલ ગેસના ભાવ હજી પણ વધાર્યા વિના છૂટકો નથી.
કહેવત : ઊંટની પીઠ ઉપર છેલ્લું તણખલું !
***
ભારતમાં કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં થોડી રાહત.
કહેવત : દાઝ્યા ઉપર ફૂંક મારી, તો કહે હવે જરા સારું લાગે છે !
***
ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં જે મોંઘવારી વધી એની સાથે સાથે GSTનું કલેક્શન પણ વધ્યું.
કહેવત : બધો ભાર કન્યાની કેડ ઉપર જ છે !
***
કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીની અંગત જીંદગીનું પ્રકરણ વાયર થઈ ગયું.
કહેવત : હાથના કર્યાં, સોરી હૈયાનાં કર્યાં હૈયે વાગ્યાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment