અહીં ગુજરાતી કવિને...

અમુક ગુજરાતી ગીતો પણ એવાં છે કે જેની બે-ચાર પંક્તિઓ સાંભળીને વિચાર આવી જાય છે કે આમાં કવિ શેમાં ફસાયા હશે ? દાખલા તરીકે…

*** 

પાન લીલું જોયું, ને તમે યાદ આવ્યાં…’

- અહીં કવિને પાન-મસાલો ખાવાની જોરદાર તલબ લાગી છે પણ પાનના ગલ્લે જે ઉધારી ચડી ગઈ છે તે જોતાં ગલ્લાના માલિકનો ખતરનાક ચહેરો યાદ આવી રહ્યો છે !

*** 

આકળ વિકળ ભાનસાન વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે…’

- અહીં ત્રીજા માળે રહેતી પાડોશણે કવિના માથા ઉપર એંઠવાડ ફેંક્યો છે ! આમાં કવિના ભાનસાન 'આકળ વિકળ' થઈ ગયાં છે ! એટલું જ નહીં, તે મનમાં શ્રાપ આપે છે કે તું મને ભીંજવે છે, તો હમણાં વરસાદ તને ભીંજવશે અને તારાં સૂકવવા નાંખેલાં કપડાં પલાળી નાંખશે !

*** 

દિવસો જુદાઈના જાય છે, 
એ જશે જરૂર મિલન સુધી… 
મારો હાથ ઝાલીને લઈ જશે,
મુજ શત્રુઓ જ સ્વજન સુધી…’

- અહીં કવિનું અપહરણ થઈ ગયું છે ! પરંતુ કવિને છોડાવવા માટે ફિરોતીની બે હજાર રૂપિયાની રકમ પણ કોઈ સ્વજન આપવા તૈયાર નથી ! આખરે કવિ જાણે છે કે હવે શત્રુઓ જ હાથ ઝાલીને એમને ઘર સુધી પાછા મુકી જશે !

*** 

મોરલી તે ચાલી રંગ રૂસણે રે, 
કોણ મનાવા જાય રે રંગ મોરલી…’

- અહીં કવિની કામવાળી રીસાઈને જતી રહી છે ! પણ મનાવવા કોણ જાય ? જો કવિ મનાવવા જાય તો ઘરવાળી રીસાઈ જાય ! અને જો ઘરવાળી મનાવવા જાય તો પેલી મોરલી ગરજ જોઈને બમણા પૈસા માગશે… 

(આમે ય કવિ કોરોનામાં કચરા-પોતાં કરતાં શીખી ગયા છે.)

*** 

હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, 
પણ ના કહો એમાં વ્યથા હોવી જોઈએ…’

- અહીં મામલો સિમ્પલ છે. કવિ એ જ પાનને ગલ્લે ફરી ઉધારીમાં પાન-મસાલો માગવા ગયા છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments