ગુવાહાટીમાં ગુસપુસ !

મહારાષ્ટ્રનું મહા-ગઠબંધન હાલકડોલક હાલતમાં છે. શિવસેનાના 41 જેટલા ધારાસભ્યોએ પહેલાં સુરતમાં અને પછી ગુવાહાટીમાં ધામા નાંખ્યા ! જરા કલ્પના કરો, એમની અંદરો અંદર  શું ઘુસપુસ ચાલી રહી હશે ?

*** 

‘અલ્યા, આપણે સુરતથી અહીં ગુવાહાટીમાં કેમ આવી ગયા ?’
‘એટલું ય નથી સમજતો ? સુરત ડ્રાય સ્ટેટમાં છે’
‘અચ્છા… અને અહીં આસામમાં પુરને કારણે ખુબ ભીનાશ છે, રાઈટ ?’
‘આ ડફોળને કોઈ સમજાવો ભૈશાબ !’
‘જો ભાઉ, આપણે અહીં એટલા માટે આવ્યા છીએ કે આપણને બાળાસાહેબ ઠાકરેના સિધ્ધાંતો યાદ આવ્યા છે !’
‘એમ ? છેક અઢી વરસે ?’
‘માત્ર બાળા સાહેબની વાત નથી. આપણી શિવસેનાના હિન્દુત્વના સિધ્ધાંતો પણ આપણને યાદ આવ્યા ને ?’
‘એમાં પણ અઢી વરસ લાગ્યાં ?’
‘સમજતો કેમ નથી ? વચમાં બે વરસ તો કોરોનામાં ના ગયાં ?’
‘હા, અને કોરોના તો સાવ બિન-સાંપ્રદાયિક નીકળ્યો !’
‘એટલે જ આપણે બિન-સાંપ્રદાયિક તત્વો સાથે ગઠબંધનમાં રહેવું પડ્યું.’
‘અચ્છા ? મને તો એમ કે ઉધ્ધવ ભાઉ સાહેબને સીએમ બનવું હતું, એટલે -’
‘તું એ બધું છોડ, આપણે હમણાં શક્તિ પ્રદર્શન માટે પરેડમાં જવાનું છે.’
‘અરે બાપરે ! ‘અગ્નિપથ’ યોજનામાં ?’
‘ડફોળ ! આમાં અગ્નિપથ ક્યાં આવ્યું ? આપણે એક વાર ધારાસભ્ય બન્યા એટલે જીવનભર પેન્શન ખાવાનું જ છે ને !’
‘અરે હા ! મહારાષ્ટ્રમાં ખાવાનું છોડીને આપણે આ ગુવાહાટીની હોટલનું ખાવાનું ખાવા કેમ આવ્યા છીએ ?’
‘કેમ કે આપણે ભાવ ખાવાનો છે !’
‘તો પછી પેલા TMCવાળા હોટલ આગળ કેમ દેખાવો કરે છે ?’
‘કેમકે એમની ભાવ ખાવાની સિઝન પતી ગઈ છે. ભાજપ હવે ભાવ નથી આપતું.’
‘ઓકે. તો હવે આપણો ટાર્ગેટ શું છે ?’
‘144’
‘હેં કરફ્યુવાળી કલમ ?’
‘ના. સત્તાવાળી કલમ…. સોરી, કલમ નહીં કમલ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments