અને અમુક લોકો આવા...

દુનિયામાં બધા લોકો સરખા નથી હોતા. જો સરખા હોત તો ફૂટપટ્ટીઓ રાખવાની જરૂર જ ના હોત ને ? છતાં અમુક લોકો અનોખા હોય છે. જેમકે…

*** 

અમુક લોકો એટલા ‘ચતૂર’ હોય છે કે એમની પાસે બિરબલના ઉખાણાંથી માંડીને યુક્રેન યુધ્ધનો ઉકેલ શી રીતે લાવવો તેની તમામ જાણકારી હોય છે !

જ્યારે અમુક લોકો એટલા ‘ભોળા’ હોય છે કે ગુગલમાં પૂછે છે કે ‘પત્નીને શાંત કરવાનો કોઈ ઉપાય હોય છે ખરો ?’

*** 

અમુક લોકો એટલા ‘ઉતાવળા’ હોય છે કે પાંચ મિનિટ માટે પ્રાણાયમનું આલોમ વિલોમ કર્યા પછી તરત જ ઓક્સિમીટરથી ચેક કરે છે કે ઓક્સિજન લેવલ વધ્યું કે નહીં ?

અને અમુક લોકો એટલા ‘ધીરજવાન’ હોય છે કે બાબો બાર-સાયન્સમાં પાસ થઈને પછી જ્યારે MBBS ડોક્ટર બને ત્યારે જ પોતાના હાર્ટનો ઈલાજ કરાવશે… સસ્તું પડે ને ?

*** 

અમુક લોકો ‘પૈસા વસૂલ’ એ રીતે કરે છે કે વાળ કપાવવા માટે શહેરનું સસ્તામાં સસ્તું સલુન શોધે છે અને વાળ કપાવ્યા પછી બગલના, કાનના અને નાકના વાળ પણ ‘ફ્રી’માં કપાવી લે છે !

જ્યારે અમુક લોકો ‘પૈસા વસૂલ’ એ રીતે કરે છે કે મોંઘામાં મોંઘા જિમની ફી ભરે છે અને પછી ત્યાં જઈને પોતે કસરત કર્યા વિના, કસરત કરી રહેલી મહિલાઓને શાંતિથી જોયા કરે છે !

*** 

અમુક પુરૂષો એટલા ‘બિઝી’ હોય છે કે મસાજ પાર્લરની એપાઈન્ટમેન્ટ હોય ત્યારે ફૂલ બોડી મસાજ માટે પોતાને બદલે નોકરને મોકલી આપે છે !

જ્યારે અમુક પુરુષો એટલા ‘નવરા’ હોય છે કે પત્ની મોલમાં શોપિંગ કરવા ગઈ હોય ત્યારે વેઇટિંગ એરિયામાં બેસીને પોતે એક સરસ મઝાની ઊંઘ ખેંચી કાઢે છે !

*** 

જોકે અમુક લોકો એટલા ‘સિરિયસ’ હોય છે કે એ લોકો મોબાઈલમાં લોરેલ-હાર્ડીની ફિલ્મ જુએ તો પણ એમાંથી ‘મેટાફર’ શોધતા હોય છે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments