આ દુનિયા એક મેળો છે. અહીં જાતજાતના લોકો વસે છે. પરંતુ એમાંથી અમુક લોકો સ્પેશીયલ ક્વોલિટીના હોય છે ! જુઓ…
***
અમુક લોકો એટલા ‘કંજુસ’ હોય છે કે ટુથપેસ્ટમાં બચેલી છેલ્લી પેસ્ટને કાઢવા માટે વેલણ અને સાણસી પણ વાપરતાં અચકાશે નહીં…
પરંતુ એ જ લોકો એટલા ‘ઉદાર’ હોય છે કે કોઈ લગ્નમાં જમ્યા પછી અડધો અડધ વાનગીઓ એંઠવાડ તરીકે મુકીને ઊભા થઈ જાય છે !
***
અમુક લોકો લગ્નમાં ત્યારે જ નાચવા માટે ઊભા થાય છે જ્યારે એમને મનાવવા માટે મિનિમમ પાંચ સગાં હાથ ઝાલીને ઊભા ના કરે !
પણ એ જ લગ્નમાં અમુક લોકો એવા હોય છે કે એમને નાચતા ‘બંધ’ કરવા માટે પાંચ જણાએ હાથ ઝાલીને ખૂણામાં બેસાડવા પડે છે !
***
અમુક લોકો એટલા ‘લાલચી’ હોય છે કે બીજા કવિની શાયરીઓમાંથી કવિનું નામ કાઢીને પોતાનું નામ ઠોકીને પોસ્ટ કરે છે…
જ્યારે અમુક લોકો એટલા ‘નિઃસ્વાર્થ’ હોય છે કે પોતે લખેલી સાવ વાહિયાત શાયરીઓ પણ ગુલઝાર અથવા જાવેદ અખ્તરના નામે ફોરવર્ડ કરતા રહે છે !
***
અમુક લોકો એટલા ‘દેશભક્ત’ હોય છે કે જોક્સનું ગ્રુપ હોય, કવિતાનું ગ્રુપ હોય, સંગીતનું ગ્રુપ હોય કે વાનગીની રેસિપીનું ગ્રુપ હોય એમાં પણ દેશભક્તિના મેસેજો ફટકારતા જ રહે છે…
તો વળી અમુક લોકો એટલા ‘પ્રભુભક્ત’ હોય છે કે ઓફિસના કામ માટે બનાવેલા ગ્રુપમાં પણ બરોબર સાંજ થાય એટલે ‘આરતી’ મુકી દેતા હોય છે !
***
- અને અમુક લોકો એટલા બધા નવરા હોય છે કે આવું બધું ‘વાંચતા’ પણ હોય છે ! થેન્ક યુ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment