કાળાંબજારનો એક કમાલનો કિસ્સો !

પિક્ચરની ટિકીટોનાં કાળાંબજારની વાતો ચાલી રહી છે તો એમાં આજે એક ગજબનો રમૂજી કિસ્સો સાંભળો…

વાત 1970ની. શહેર સુરત. તમે તો જાણો જ છો કે સુરત શહેરના લહેરીલાલાઓ રૂપિયા ખરચવામાં જરાય પાછા પડે નહીં. એ જમાનામાં તો હીરાઘસુઓનો વટ હતો. (‘બોબી’ ફિલ્મના પહેલા દિવસે તો એક ટિકીટના 200-200 રૂપિયાનાં બ્લેક બોલાયેલાં, એવી વાત હતી.) 

આ જે અજબ ઘટનાની વાત છે તે બની હતી અમારા એક મિત્ર સાથે. તે વખતે તેઓ ભણતા હતા સુરતની એન્જિનિયરીંગ કોલેજમાં. મહિનો સપ્ટેમ્બરનો અને વરસાદ મન મુકીને વરસી રહ્યો હતો. (વરસાદનું પણ કદાચ શહેરના લોકોના મિજાજ સાથે કંઈ સેટિંગ હોય છે. જેમકે અમદાવાદનો વરસાદ અહીંના લોકોની જેમ ખુબ જ રકઝક કર્યા પછી ઉપકાર કરતો હોય તેમ પુરેપુરી કંજુસાઈ સાથે વરસે છે ! પણ સુરતમાં એ જ વરસાદ ‘ઉડાઉ’ થઈ જાય છે.)

ખેર, સુરત એન્જિનિયરીંગ કોલેજના એ બે મિત્રો કંઈક કામ માટે રેલ્વે સ્ટેશને આવ્યા હતા. એવામાં કોર્પોરેશનની વાન એનાઉન્સમેન્ટ કરતી ફરવા લાગી કે ‘તાપી નદીમાં પુર આવવાની શક્યતા હોવાથી લોકોએ શહેરના પશ્ચિમ વિસ્તાર તરફ જવું નહીં…’

આ દોસ્તોની હોસ્ટેલ પણ પશ્ચિમ બાજુ જ હતી. એક મિત્રએ કહ્યું ‘એક કામ કરીએ, આપણે રાતના 9 થી 12ના શૉમાં એકાદ પિક્ચર જોઈ નાંખીએ. પછી રેલ્વે સ્ટેશને જઈને બે પ્લેટફોર્મ ટિકીટો લઈ લઈશું. આખી રાત સ્ટેશનના બાંકડાઓ ઉપર વીતાવી લઈએ. સવાર પડે ત્યારની વાત ત્યારે.’

સુરતની ‘અલંકાર’ ટોકિઝ તો રેલ્વે સ્ટેશનની બિલકુલ સામે જ ! ત્યાં એ જ દિવસે ‘સાજન’ પિક્ચર પડેલું. આ બે જણાને એમ કે ચાલો, બ્લેકના પાંચ-પાંચ કે દસ-દસ રૂપિયા ખરચતાં આપણી સેફ્ટી તો થઈ જશે ? પણ ત્યાં જઈને જોયું તો સીન જુદો જ હતો. 

એક બાજુ ‘હાઉસફૂલ’નું પાટિયું લટકે અને બીજી બાજુ સાવ સન્નાટો ! વરસાદ (અથવા પુરના) કારણે કોઈ આવ્યું જ નહોતું ! પેલા બિચારા કાળાબજારીયાઓને તો એમનું ‘ઇન્વેસ્ટમેન્ટ’ માથે પડ્યું હતું ! આ બે યુવાનો ટિકીટ માગવા ગયા ત્યારે ફક્ત 50-50 પૈસામાં બે ટિકીટો મળી ગઈ !

આવું તો કદી ધાર્યું પણ નહોતું ! ખુશી ખુશી બન્ને જ્યારે  થિયેટરમાં દાખલ થયા તો આખા સિનેમાહોલમાં એ બે સિવાય કોઈ ત્રીજો પ્રેક્ષક જ નહીં ! 

જરા કલ્પના કરો, કોઈ ફિલ્મના પહેલા જ દિવસે ફક્ત બે જણા માટે શો ચાલી રહ્યો હોય તો કેવું લાગે ? (એ તો સારું હતું કે આ કોઈ હોરર ફિલ્મ નહોતી ! નહિતર પેલા બે મિત્રોની પણ હાલત ખરાબ થઈ ગઈ હોત.)

જોકે હાલત તો ખરાબ થવાની જ હતી. ફિલ્મ ચાલુ થઈ ત્યાં તો બન્ને જણા ઠંડીથી ધ્રુજ્વા લાગ્યા. એક બાજુ ફૂલ સ્પીડમાં મોટા મોટા પંખા ચાલે અને બીજી બાજુ ‘એર-કુલ્ડ’ કરવાનું મશીન ચાલે ! 

બેમાંથી એક મિત્રને આઈડિયા આવ્યો. તેણે કહ્યું ‘એક કામ કરીએ. અહીં આપણને જોનારું તો કોઈ છે જ નહીં ? આપણાં કપડાં કાઢીને પંખા નીચે સૂકવવા મુકી દઈએ તો કેવું ?’

તમે નહીં માનો, એમણે એ આઈડિયા ખરેખર અમલમાં મુક્યો !

બન્ને જણા વટ કે સાથ જાંગિયાભેર ખુરશીમાં બેઠાં બેઠાં ફિલ્મ જોતાં રહ્યા અને જાણે ખુરશીઓની લાજ ઢાંકવા માટે વ્યવસ્થિત રીતે ફેલાવીને ઓઢાડેલાં એમનાં કપડાં ‘ફરફર… ફરફર…’ ફરતાં પંખા નીચે સુકાતાં રહ્યાં !

આજે તો એ મિત્ર સરકારી અધિકારીની નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા. પરંતુ આટલા વરસો પછી પણ જ્યારે ‘સાજન સાજન પુકારું ગલીયોં મેં’ ગાયન વાગે છે ત્યારે એમને પેલા સન્નાટાભર્યા અલંકાર થિયેટરની ખાલીખમ સીટો વચ્ચેની ગલીઓ યાદ આવી જાય છે !

કાળાંબજારના હજી એક-બે કિસ્સા બાકી છે, પણ જો વાચકમિત્રોમાંથી કોઈને આવાં ખટમીઠાં સંભારણાં હોય તો જરૂર ઈ-મેઈલમાં શેર કરજો !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment