તમે મિડલ ક્લાસિયા કે અપર મિડલિયા ?


બન્નેમાં ઘણો ફેર છે. શું ફેર છે ? એ પણ સમજવા જેવું છે !

જેમકે મિડલ ક્લાસિયાને ત્યાં કાર નહીં પણ સ્કુટર હોય. એ પેટ્રોલ ડિઝલના ભાવનો કકળાટ તો કરતો જ હોય છતાં માત્ર પાનના ગલ્લે માવા બંધાવવા જવું હોય તોય સ્કુટર લઈને જ નીકળશે !

જ્યારે અપર મિડલ ક્લાસિયાએ જોશમાં આવીને કાર તો ખરીદી લીધી હોય (હપ્તેથી) છતાં મહેમદાવાદથી અમદાવાદ અપ-ડાઉનની નોકરી માટે રોજ બાઈક લઈને તડકામાં ટીચાતો હશે !

મિડલ ક્લાસિયો મહિને બે મહિને એકાદ વાર ફેમિલીને લઈને એવી રેસ્ટોરન્ટમાં જમવા જશે જ્યાંની ‘ભાજીપાંવ’ જ ફેમસ હોય ! એટલું જ નહીં, ખુલ્લામાં જ્યાં ટેબલો નંખાયાં હોય ત્યાં પેલા અગાઉથી બેસીને ભાજીપાઉં ખાનારાની બિલકુલ માથે ઊભા રહીને પોતાનો નંબર ‘બુક’ કરી રાખશે !

જ્યારે અપર મિડલ ક્લાસિયાઓ મહિને એકાદ વાર ઓનલાઈન ભાજીપાંવ મંગાવીને પત્નીને આરામ આપશે ! એ તો ઠીક, બે ચાર મહિને એકાદ વાર બહુ મોંઘી રેસ્ટોરન્ટમાં કાર લઈને જશે, વેઈટિંગમાં નામ લખાવશે, દોઢ કલાક બહાર બેસીને મોબાઈલો મચડશે અને પછી અંદર જશે ત્યારે આઈટમનું નામ જોઈને નહીં પણ એની કિંમત જોઈને ઓર્ડર આપશે ! (અને ખાતાં વધેલી આઇટમો ‘પેક’ કરાવીને ઘરે લઈ આવશે, જેથી વધુ એક ટંક માટે પત્નીને આરામ મળે !)

મિડલ ક્લાસિયાઓ ટીવી-ચેનલોનું પેકેજ નક્કી કરતી વખતે ફક્ત એટલું જ વિચારે છે કે આપણે તો બે જ સિરિયલો જોવી છે ને ? બાકી IPLની બધી મેચો તો ક્યાં જોવા જેવી હોય છે ? અને જે જોવી હશે તે જોવા માટે પાનના ગલ્લાઓ તો છે જ ને ?

જ્યારે અપર મિડલ ક્લાસિયાઓ તો OTTવાળું સ્માર્ટ ટીવી રાખે છે ! એમાં એકાદ ચેનલનું લવાજમ ભર્યા પછી ખબર પડે છે કે અમુક ચેનલોમાં એક લવાજમ ઉપર પાંચ અલગ અલગ ઘરોમાં જોઈ શકાય છે ! એટલે ફોનમફોની કરીને તપાસ કરે છે કે બોસ, તમારામાં જો જગા ખાલી હોય તો મારું એક નામ નંખાવજો ને !

તકલીફ તો અપર મિડલ ક્લાસિયાઓને પણ છે જ. આજકાલ એ લોકો એમ વિચારી રહ્યા છે કે બાળકોને 95 હજારની ફીવાળી સ્કુલમાંથી ઉઠાડીને 75 હજારની સ્કુલમાં મુકવાં ? કે પછી સ્કુલ-વાનના પૈસા બચાવવા માટે મમ્મી રોજ એમને સ્કુટી ઉપર પંદર કિલોમીટર દૂર સુધી લેવા-મુકવા જશે ?

જ્યારે પેલી તરફ મિડલ ક્લાસિયા એમ વિચારી રહ્યા છે કે બાળકોને ખાનગી સ્કુલમાંથી ઉઠાવીને સરકારી સ્કુલમાં મુકવા ? કે પછી કોઈ એવી સસ્તી ખાનગી સ્કુલ શોધવી, જેની ફી તો ઓછી હોય પણ સ્કુલ-ડ્રેસમાં ‘ટાઈ’ ફરજિયાત હોય ! (ઇજ્જત બચે ને ?)

મિડલ ક્લાસિયાઓ વેકેશનમાં ફરવા જવા માટે ચાર-ધામની યાત્રા, બદરીનાથ-કેદારનાથ, શીરડી-ત્રંબકેશ્વર વગેરેની તપાસ કરે છે અને છેવટે એકાદ દિવસ માટે પાવાગઢ, જુનાગઢ કે અંબાજી જઈ આવે છે !

જ્યારે અપર મિડલ ક્લાસિયાઓ તો મોબાઈલમાં 'સર્ચ' મારીને જુએ છે કે ગોવા, ઉટી, મનાલી, કોડાઈ કેનાલ વગેરેમાં કેવા કેવાં પેકેજ અવેલેબલ છે…. પછી છેવટે તો દમણ, દીવ અથવા આબુ આ ત્રણમાંથી એમની જ પસંદગી કરે છે !

મિડલ ક્લાસિયાઓ મલ્ટિપ્લેક્સની 250ની ટિકીટ ખરીદવાને બદલે મોબાઈલમાં જ એ ફિલ્મને ફ્રીમાં ડાઉનલોડ કરીને જોઈ નાંખે છે. જ્યારે અપર મિડલ ક્લાસિયાઓ એ જ ફિલ્મ OTTમાં ક્યારે આવે તેની રાહ જોઈને બેઠા હોય છે ! સાચી વાત છે ને ?

આમ જુઓ તો બેમાં ખાસ ફેર નથી પણ એક વાતે બન્ને સરખા છે : ‘જે હોય તે બોસ, પણ આવશે તો મોદી જ!’

***

- મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments

  1. Ame to middle class... 😆😆😆

    ReplyDelete

Post a Comment