આજના અગ્નિપથ અને અગ્નિવીર !

સરકારે ‘અગ્નિવીર’ યોજના જાહેર કરી કે તરત તોફાનો ફાટી નીકળ્યાં, અને આગજનીની જે ઘટનાઓ બની ગઈ, એમાં એવું લાગ્યું કે આ તો ‘અગ્નિપથ’ બની ગયો !

જોકે મારા તમારા જેવા મામૂલી લોકો માટે પણ આવા ‘અગ્નિપથ’ કંઈ ઓછા નથી હોતા ! જુઓ…

*** 

ધોમધખતા ઉનાળામાં કાળા ડામરની સડકો ઉપર વરઘોડો કાઢીને, થથેડા જેવા કાપડનો જોધપુરી કોટ, માથે સાડી સાતસો ગ્રામનો સાફો અને બે હાથમાં પકડેલું હાથકડી સમાન પેલું નાળિયેર ઝાલીને સહિત જઈ રહેલા વરરાજા માટે આ રસ્તો એક ‘અગ્નિપથ’ જ છે !

અને પરણ્યા પછીના સંઘર્ષો સામે લડવા જઈ રહેલો મૂરતિયો પોતે જ એક ‘અગ્નિવીર’ જ છે !

*** 

પરણ્યા પછીનો સંસાર ‘અગ્નિપથ’ છે અને પત્નીના કંકાસ-કજિયાને પ્રેમથી સાંખી લેનાર પતિ બિચારો ‘અગ્નિવીર’ છે !

*** 

અરે, 45 ડિગ્રીની ગરમીમાં સેલ્સની જોબ કરવા જતા સેલ્સમેન માટે શહેરના તમામ રસ્તા ‘અગ્નિપથ’ છે…

અને સુર્યના તાપથી ભાખરી શેકી શકાય એવી તાવડી બની ગયેલી સીટ ઉપર બેસીને નોકરી કરવા જનારો ‘અગ્નિવીર’ છે !

*** 

મોડી રાતથી લઈને પરોઢના છેક ચાર વાગ્યા સુધી મોબાઈલમાં ભાતભાતનું ગરમાગરમ મટિરીયલ સર્ચ કરવાથી ઇન્સ્ટ્રુમેન્ટ જે ગરમ થઈ જાય છે તે ખરેખર ‘અગ્નિપથ’ છે…

અને સવારે મોડા ઊઠીને કોલેજ જતાં પહેલાં યુવાન મોબાઈલને રિ-ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઈન્ટ તરફ દોડે છે… તે ‘અગ્નિવીર’ છે !

*** 

બાકી, આજકાલ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં જે ભડકો બોલી ગયો છે તે દરેક વાહનચાલક માટે ‘અગ્નિપથ’ છે…

અને ‘પેટ્રોલ નહીં મળે’ એવી અફવા સાંભળીને જેઓ પેટ્રોલ તરફ દોટ મુકે છે એ વીરલાઓ ‘અગ્નિવીર’ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments