આજની પેઢીને તો સુભાષિતો કોને કહેવાય એ પણ ખબર નહીં હોય ! બીજી બાજુ જુની પેઢી જુનાં સુભાષિતોને ભૂલતી જાય છે. આ હિસાબે જરૂર છે નવાં સુભાષિતોની….
***
રાતે મોડા જે સૂએ
મોડા ઊઠે વીર
‘વ્યુઝ’ ‘પોઇન્ટ્સ’ અને ‘લાઇક’ વધે
ચાર્જિંગમાં રહે શરીર !
***
પિત્ઝા, બર્ગર ને મોમોઝ
એ ફાસ્ટ ફૂડ કહેવાય
ઘરમાં રાંધીને ખાય તે
‘ઓલ્ડ-ફેશન’ કહેવાય !
***
સવારે કોફી, બપોરે પેપ્સી
સાંજે પીઓ બિયર
રાતે બે પેગ મારી સૂવો
ધેર ઇઝ લાઈફ, ડિયર !
***
નવે ઊઠો, અગિયારે નાસ્તો
ત્રણે લંચ ને બારે ડિનર
વચમાં વેફર્સ, મેગી, ચિપ્સ
આ જ છે બોસ, ફિટનેસની ટિપ્સ !
***
ગેમ રમાડે અંગૂઠો
અંગૂઠો કરે ચેટ
માઇન્ડ હંમેશાં ફ્રેશ રહે
બોડી રહે રિલેક્સ !
***
મોબાઈલને તું મિત્ર ગણ
મોબાઈલ તારો આત્મા
દેહ મરીને પડી જશે
પણ ‘હિસ્ટ્રી’ રહેશે હાથમાં !
***
‘ફેક’ કશું નથી દુનિયામાં
‘વર્ચ્યુઅલ’ એ જ સત્ય
મિરર કરતાં ‘સેલ્ફી’ સુંદર
બાકી સઘળું અસત્ય !
***
પ્રાયવસી-પ્રાયવસી શું કરે ?
ઘરમાં જ પ્રાયવસી હોય,
મા-બાપ જે જાણે નહીં, તે
સઘળું ઓનલાઈન હોય !
***
આપ ધૂણે એકલ ખૂણે
વિડીયો બધે પ્રસરંત
જગમાં એવા જનમિયા
સેલિબ્રિટીને ઘંટ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment