કળિયુગના ચાર લોક !

કહે છે કે માનવીની દુનિયામાં મુખ્ય ત્રણ લોક છે, સ્વર્ગલોક, મૃત્યુલોક (પૃથ્વીલોક) અને પાતાળલોક…
પરંતુ આજના કળિયુગમાં આપણા પૃથ્વીલોકમાં જ ચાર અલગ અલગ લોક છે ! જુઓ…

*** 

(1) ટીવી-લોક
મહિલાઓ માટે આ આખી અલગ દુનિયા છે જેમાં તેઓ ‘અનુપમા’ ‘ઇમલી’ વગેરે નોન-સ્ટોપ વરસો લગી ચાલતી રહેલી સિરિયલાઈઝ્ડ સૃષ્ટિમાં જીવે છે ! બીજી બાજુ પુરુષો માટે એક ‘ન્યુઝ-લોક’ છે ! અહીં બાપડા પુરુષો ઘરમાં બેઠાંબેઠાં આખી દુનિયાનું ટેન્શન પોતાના માથે લઈને દુઃખી દુખી થતા રહે છે.

*** 

(2) ગેઈમ-લોક
ટીન એજરો અને બપોરે નવરી પડતી ગૃહિણીઓ માટેની આ એક અલગ સૃષ્ટિ છે. ટીન-એજરો એમાં યોધ્ધાઓ બનીને મશીનગનો અને ગ્રેનેડો વડે સેંકડોને મારી નાંખે છે ! પોતે પણ વારંવાર મરીને ફરી જીવતા થાય છે ! જ્યારે બિચારી ગૃહિણીઓ કેન્ડીક્રશ, કેરમ અને તીન પત્તીમાં ‘પોઇન્ટ્સ’ કમાઈને ‘ગુજરાન’ ચલાવે છે !

*** 

(3) સોશિયલ-મિડિયા-લોક
આ એક જાતનું મિનિ સ્વર્ગલોક જ છે ! કેમકે અહીં બધું જ રૂપાળું છે. બધા જ ફ્રેન્ડઝ છે અને બધા જ તમને લાઈક કરે છે ! અહીં તમે પોતે ધારો એટલા અલગ અલગ અવતાર ધારણ કરી શકો છો. બીજાના અવાજમાં જોક્સ કહી શકો છો, બીજાનાં સ્ટેપ્સમાં ડાન્સ કરી શકો છો અરે, પોતે જ પોતાના વિવિધ સ્વરૂપો સાથે વાતચીત પણ કરી શકો છો !
એટલું જ નહીં, તમે ધારો તેને ‘બ્લોક’ કરી શકો છો, ધારો તેને ‘રિમૂવ’ પણ કરી શકો છો !

*** 

(4) બુધ્ધિજીવી-લોક
આ લોકમાં રાચનારાઓના પાર્થિવદેહ તો પૃથ્વી ઉપર હોય છે પરંતુ એમના આત્માઓ એમના પોતાના મગજમાં જ ભટકતા હોય છે ! તેઓ અન્ય તમામ લોકમાં ભ્રમણ કરીને તેની ટીકા-ટિપ્પણીઓ કરવામાં જ રચ્યા-પચ્યા રહીને પોતે ‘અલગ-લોક’માં હોવાની મહાનતા અનુભવતા હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments