અમુક સમાચારોની ખરી મઝા ત્યારે જ આવે છે જ્યારે એની ઉપર કોઈ ખાટીમીઠી ટિપ્પણી કરી હોય ! દાખલા તરીકે…
***
ન્યુઝ
ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ વિરુદ્ધ આખા દેશમાં કોંગ્રેસીઓએ ભારે દેખાવો કર્યા.
ટિપ્પણી
આટલું જોર જો ચૂંટણીઓમાં લગાડ્યું હોત તો કમ સે કમ એકાદ રાજ્યમાં તો કોંગ્રેસ બે આંકડે (અથવા બે પાંદડે) હોત !
***
ન્યુઝ
દિવસના સમયે મહિલાઓના મગજનું તાપમાન પુરુષો કરતાં અડધો ડિગ્રી વધારે હોય છે.
ટિપ્પણી
એટલે જ તો પતિઓ નોકરી-ધંધાનું બહાનું કરીને દિવસના ટાઈમે ઘરની બહાર રખડવા જતા રહે છે !
***
ન્યુઝ
ન્યુઝિલેન્ડનાં મહિલા વડાપ્રધાનને છેલ્લા ત્રણ વરસમાં 100થી વધુ ધમકીઓ મળી ચૂકી છે.
ટિપ્પણી
એમાં શું ધાડ મારી ? નુપૂર શર્માએ તો એ રેકોર્ડ ત્રણ જ મિનિટમાં તોડી નાંખ્યો !
***
ન્યુઝ
પાકિસ્તાનની સરકારના અધિકારીઓની નિમણૂંક હવે ત્યાંની ગુપ્તચર સંસ્થા ISI કરશે.
ટિપ્પણી
જેથી ખબર તો પડે, કે શાહબાઝ શરીફ સરકારી તિજોરીમાંથી કેટલા રૂપિયા ખાઈ જાય છે અને સૈન્યને કેટલી ઓછી કટકી આપે છે !
***
ન્યુઝ
છેલ્લા બે દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 10 લાખ કરોડ રૂપિયાનું ધોવાઈ થઈ ગયું.
ટિપ્પણી
આખા દેશમાં શેરબજાર જ એક એવી જગ્યા છે જ્યાં આટલા મોટાં ધોવાણો થતાં હોવા છતાં એક ટીપું પાણી વપરાતું નથી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment