ફિલ્મોની ટિકીટોનાં કાળાબજારની વાત નીકળી જ છે તો એ જમાનાના થોડા કડવા અને મીઠા કિસ્સા યાદ આવી રહ્યા છે…
ફિલ્મ હતી ‘સાવનભાદોં’. ઓલરેડી હિટ જઈ રહી હતી. વરસ 1970નું અને હું ભણતો હતો અગિયારમું. એક રવિવારે નક્કી કર્યું કે ગમે તે થાય, આજે તો ફિલ્મ જોવી જ છે.
થિયેટરે પહોંચ્યો તો ‘હાઉસફૂલ’નું પાટિયું ! બીજી બાજુ ચાલે કાળાંબજાર ! ભાવ બોલાઈ રહ્યો હતો દોઢો ! ખિસ્સામાં હાથ નાંખીને પરચૂરણ સહિતનું બજેટ માપી જોયું. થયું કે ભલે ઇન્ટરવલમાં ખારીશીંગ ના ખાવા મળે અને ભલે બસ ને બદલે ચાલતાં ઘરે જેવું પડે પણ ‘સાવનભાદોં’ તો જોવી જ છે… મન મક્કમ કરીને ટિકીટ લઈ જ લીધી. (જોયું? એ જમાનામાં કેટલી નાની ઉંમરે ‘બજેટ’ ‘ઇકોનોમિક્સ’ અને ‘ડિસિઝન મેકીંગ’ના પાઠ અનાયાસે ભણવા મળી જતા હતા?)
ટિકીટ લેવાઈ ગઈ અને ફિલ્મનાં હોર્ડિંગમાં દેખાતી બકસમ રેખાનું ‘ચક્ષુપાન’ પણ થઈ ગયું… નવરો ઊભો હતો ત્યાં થિયેટરમાંથી ભીડ બહાર આવી. થોડી વારે ભીડ અંદર જવા લાગી. હું પણ એમાં જઈ પહોંચ્યો. જરા નવાઈ તો લાગી કે અલ્યા ડોરકીપરે ટિકીટનું અડધિયું કેમ ના ફાડ્યું ?
એ નવાઈ હજી મનમાં રમતી હતી ત્યાં બીજી નવાઈ… કે મારા નંબરવાળી સીટ ઉપર તો કોઈ ઓલરેડી બેઠું હતું ! હજી કંઈ વિચારું ત્યાં તો થિયેટરમાં અંધારું ધબ્બ ! અને પિક્ચર ચાલુ !
સીટ નંબર એ જ હતો કે બીજો, એ ચેક કરવા માટે ડોરકીપર શોધ્યો પરંતુ એ ગાયબ ! આજુબાજુ નજર કરી તો એક પણ સીટ ખાલી જ નહીં ! (ક્યાંથી હોય ? હાઉસફૂલ હતું ને ?) ખેર, મનમાં થયું કે ભઈલા, પેલો કાળાબજારીયો તને બોગસ ટિકીટ પકડાવી ગયો !
‘હવે પલાળ્યું છે તો બકા મુંડાવો’ એમ વિચારીને થિયેટરના એક ખૂણે ઊભા રહીને પિકચર જોવા માંડ્યું… ધીમે ધીમે સ્ટોરીમાં એવો રસ પડી ગયો કે ઊભા રહેવાની તકલીફ અને છેતરાવાની પીડા તો ક્યાંય ભૂલાઈ ગઈ ! સ્ટોરીમાં જમાવટ પછી, ફાઈટીંગ… પછી સસ્પેન્સ ખુલ્યો અને પછી)… અચાનક ‘ધી એન્ડ’??
અલ્યા, આ શું થયું ? ઇન્ટરવલ જ ના પડ્યો ?
બહાર નીકળી રહેલી ભીડ અંધારા થિયેટરમાંથી તડકામાં નીકળી ત્યારે કોઈકના કાંડે બાંધેલી ઘડિયાળમાં જોયું તો વાગ્યા હતા માત્ર સાડા ત્રણ ! એ વખતે રહી રહીને ટ્યૂબલાઈટ થઈ કે ભઈલા, આ તો આપણે આગળના શોમાં જ્યારે ઇન્ટરવલ પડ્યો ત્યારે જ અંદર ઘૂસી ગયેલા !
ખેર, એ પછી જ્યારે ટિકીટનું અડધિયું બા-કાયદે ડોરકીપર પાસે ફડાવીને આપણી પોતાની ‘અધિકૃત’ સીટ ઉપર બેઠા ત્યારે આજે અમુક લોકોને સત્તર સર્ટિફીકેટો આપ્યા પછી માંડ માંડ એક આધારકાર્ડ મળે છે ને, બરોબર એવી જ ફીલિંગ થઈ હતી ! જ્યારે ‘અધિકૃત ઇન્ટરવલ’ પડ્યો ત્યારે ગરમ ખારીશીંગની માત્ર સુગંધ લઈને ફિલ્મ માટે ‘કુરબાન’ કરેલા બજેટની વસૂલાત કરી ! અને જ્યારે અધિકૃત ‘ધી એન્ડ’ જોઈને થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે દોઢા ભાવમાં બરોબર ‘દોઢ’ ફિલ્મ જોયાનો સંતોષ મારા અમદાવાદી આત્માને થઈ રહ્યો હતો !
બીજો કિસ્સો એવો હતો કે અમારા એક વડીલને કાળાંબજાર સામે ‘સૈધ્ધાંતિક’ વાંધો હતો. આના કારણે ભલભલી સારી ફિલ્મો તેમને દસમા, બારમા કે પંદરમાં વીક પછી જ જોવા મળતી. એમની ‘શોલે’ જોવાની તીવ્ર ઇચ્છા હતી પણ પેલો સિધ્ધાંત આડે આવતો હતો.
એકવાર એક શુભપ્રસંગે નક્કી થયું કે સૌ ભેગા મળીને ‘શોલે’ જોવા જઈએ. થિયેટરે જઈને જોયું તો બ્લેક ચાલી રહ્યાં હતાં. વડીલે ‘સૈધ્ધાંતિક જીદ’ પકડી કે હું બહાર બેઠો બેઠો ચણા ફાકીશ પણ બ્લેકની ટિકીટ તો ના જ ખપે !
છેવટે એક ચતૂર ભત્રીજાએ તોડ કાઢ્યો. એ દૂર જઈને બ્લેકમાં ટિકીટો લઈ આવ્યો અને કીધું કે ‘કોઈના ફેમિલીમાં અચાનક મરણ થયું હોવાથી એમણે ભાવોભાવ ટિકીટો કાઢી નાંખી, એમાંથી મળી ગઈ !’
ખેર, વડીલ ‘શોલે’ જોવા તો આવ્યા પણ ‘ધી એન્ડ’ પછી એમનું દ્રશ્ય જોવા જેવું હતું. વડીલ આંખો બંધ કરી, બે હાથ જોડીને ઊભા રહેલા ! પેલા ‘સદગત'ના આત્માને અંજલિ આપવા માટે…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Wah wah , me pan filmo black ma joyi chhe , black ma film Jovi teno Anand j kayi Orr chhe !!!!
ReplyDelete