બારમા પછીનું હેતુલક્ષી પેપર !

બારમું પાસ કર્યા પછી કઈ લાઈન લેવી ? આગળ શેમાં સારો સ્કોપ છે ? આવા બધા અઘરા સવાલોના જવાબ અમારી પાસે છે જ નહીં ! ઉલ્ટું, અમે તો બારમું પાસ થયેલાઓ માટે એક નવું ‘હેતુલક્ષી’ પેપર કાઢ્યું છે ! વાંચો…

*** 

પ્રશ્ન : (1) કોમર્સને લગતો
જો કોલેજનાં 3 કે 4 વરસની 8 થી 10 લાખ રૂપિયાની ફી ભરીને ડીગ્રી લીધા પછી તમને માત્ર 10 હજારની નોકરી મળે, જેમાં પરમેનેન્ટ થતાં ત્રણ વરસ લાગે, પછી ઇન્ક્રીમેન્ટ 7 ટકાથી વધારે ના હોય અને સામે તમારી એજ્યુકેશન લોન ઉપર 10 ટકાનું વ્યાજ ચડતું હોય તો તમારા પપ્પાએ કરેલું મૂડીરોકાણ કેટલા વરસે પાછું આવશે ?

(A) પપ્પાને પૂછવું પડે
(B) બેન્કમાં પૂછવું પડે
(C) નોકરી લાગશે જ એની ગેરંટી શું ?

*** 

પ્રશ્ન : (2) જનરલ નોલેજને લગતો
જો તલાટીની 3700 નોકરી માટે 17 લાખ અરજીઓ આવે છે અને લોકરક્ષકની ભરતીમાં 9 લાખ ઉમેદવારો આવે છે તો આપણે શેમાં વધારે ચાન્સ છે, સાયન્સમાં, કોમ્પ્યુટરમાં કે એન્જિનિયરીંગમાં ?

(A) છાપામાં આવતા જનરલ નોલેજની અમને શી રીતે ખબર હોય ?
(B) આનો જવાબ ગૂગલમાં ક્યાંક છે, પણ જડતો નથી.
(C) ત્રણ ચાર વરસ પછી સરકારી પટાવાળાની ભરતી આવે ત્યારે જવાબ આપીશું.

*** 

પ્રશ્ન : (3) આઈક્યુને લગતો
જો વરસાદ પવનને કારણે 45 ડીગ્રીના ખૂણે પડતો હોય એવામાં સામા વરસાદે રસ્તો ક્રોસ કરવામાં તમે દોડીને જાવ તો વધારે પલળો કે ચાલીને જાવ તો વધારે પલળો ?

(A) વરસાદ બંધ પડે પછી ના જવાય ?
(B) છત્રી બોર્ડ તરફથી મળશે કે પોતાની લાવવાની રહેશે ?
(C) જવાબ સાચો પડે તો ગટરખાતામાં પટાવાળાની નોકરી આપશો ? બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments