સળીદાર સરખામણીઓ !

ગુલાબ જેવા હોઠ, ઘટા જેવા વાળ અને હંસ જેવી ચાલ… આ બધી સરખામણીઓ હવે જુની થઈ ગઈ ! નવા જમાનામાં નવી સરખામણીઓ એવી છે કે એમાં સળી પણ સામેલ હોય છે…

*** 

વોટ્સએપમાં આવતી ‘સ્માઈલી’ અને શાકવાળાએ મફતમાં આપેલી ‘ઝભલાં કોથળી’ વચ્ચે તાત્વિક રીતે કોઈ ખાસ ફરક નથી હોતો !

*** 

‘જાગૃત કરનારી’ પોસ્ટ વાંચીને જે દેશભક્તિનો ઉભરો આવે છે તે શેરડીના રસ ઉપર જામેલા ફીણ જેટલો જ ટકે છે !

*** 

મોબાઈલમાં વારંવાર ચોંટીને ચાલતી મૂવી અને મોલમાં વારંવાર દુકાનોમાં ચોંટી જતી ગર્લફ્રેન્ડ… બન્નેનો ત્રાસ સરખો જ હોય છે !

*** 

યાદ રાખજો, કોઈપણ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ વાનની સ્પીડ કરતાં પિઝા ડિલીવરી બોયની સ્પીડ હંમેશાં વધારે જ રહેવાની !
- કેમ કે લાશ ઠંડી પડી જશે તો ચાલશે પણ પિઝા ઠંડો પડી જાય એ નહીં ચાલે !

*** 

વાયરલ વિડીયો નીચે વધતી જતી વ્યુઅર્સની સંખ્યા ઢોળાઈ ગયેલી ખાંડ ઉપર ભેગી થતી કીડીઓની જેમ વધતી હોય છે…

- અને બોસ, તમે અપ-લોડ કરેલા તમારા કેરીઓકે ગાયનના વ્યુઅર્સની સંખ્યા વાસી રોટલીને સુંઘ્યા વિના જતા રહેતાં કૂતરાંઓની માફક સ્થિર રહે છે !

*** 

બાકી, જે રીતે અમેરિકાની સ્કૂલમાં શૂટ-આઉટ થાય ત્યારે જ ત્યાંના ગન-કલ્ચર વિશે ખબર પડે છે, એ જ રીતે…

જ્યારે પંજાબમાં કોઈ મુસેવાલા નામના સિંગરનું મર્ડર થાય ત્યારે જ પંજાબમાં ગેંગસ્ટરો કેટલા છે તેની ખબર પડે છે.

*** 

અને હા, કંગના રાણાવતની ફિલ્મો જોવા જનારા પ્રેક્ષકોની સંખ્યા કરતાં કોઈપણ ભંગાર ગુજરાતી ફિલ્મના પ્રિમિયરમાં આવનારાં સગા-વ્હાલાંની સંખ્યા હંમેશાં અનેકગણી જ હોય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments