લ્યો, કોંગ્રેસે રાજસ્થાનમાં ત્રણ દિવસ બેસીને ‘ચિંતન શિબિર’ કરી નાંખી ! એનું પરિણામ જે આવવાનું હોય તે, પણ શિબિર પછી સૌના મનમાં જુદું જ ચિંતન ચાલી રહ્યું છે…
***
સોનિયાજીનું ચિંતન
પિછલે ટીન-ચાર સાલ સે બુઢ્ઢી-જીવી લોગ કાંગરેસ કા બહોટ ચિંટા કરટા ઠા ! અબી ખુડ કાંગરેસને ચિન્ટાન કિયા હૈ ટો બુઢ્ઢી-જીવી થોરા ડેર ચૂપ રહેંગા… વેરી ગુડ.
***
રાહુલજીનું ચિંતન
આ બધું પેલા પ્રશાંત કીશોરના પ્રેઝન્ટેશનને લીધે થયું છે. બાકી હું તો દર વરસે એકલો ચિંતન કરવા માટે વિદેશ જતો જ રહેતો હતો ને ! આ રાજસ્થાનમાં કર્યું એમાં મમ્મી વધારે જીવ ખાશે… બધું પ્રશાંત કીશોરને કારણે થયું છે…
***
સિનિયર કોંગ્રેસી નેતા
હાશ ! ત્રણ દિવસમાં પતી ગયું ! બાકી પેલો પ્રશાંત કીશોર કોંગ્રેસમાં ઘૂસ્યો હોત તો આ ધોમધખતા ઉનાળામાં અમને દોડતા કરી દીધા હોત ! ચાલો, મારો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો…
***
જુનિયર કોંગ્રેસે નેતા
શિબિરમાં અમુક નવી જોક્સ આવી તે સારી હતી ! જેમકે ‘બોલને કી આઝાદી હમેશા સે થી’… ‘એક પરિવાર એક ટિકિટ’… વગેરે ! લાગે છે કે પેલા પ્રશાંત કીશોરના પ્રેઝન્ટેશનમાંથી જ ઉઠાવ્યું છે !
***
ગુજરાતી કોંગ્રેસી નેતા
અલ્યા, ‘એક પરિવાર એક ટિકીટ’ એટલે શું ? ગુજરાતમાં માત્ર 182 પરિવારનો જ ઉધ્ધાર કરવાનો છે ? અને આ 182ને જીતાડશે કોણ ? ‘જનસંપર્ક’? આ પ્રશાંત કીશોર ખોટું હલાડું ઘાલી ગયો છે…
***
ગુજરાતી કોંગ્રેસી કાર્યકર
હેં ? રાહુલજી અને પ્રિયંકાજી ગુજરાતમાં ‘ધામા’ નાંખશે ? યાર, એ લોકો જ્યાં ધામા નાંખે ત્યાંની લાઈટો જતી રહે એવું કરવું પડશે ! તો જ ફટાફટ દિલ્હી ભેગા થશે… બાકી, પ્રશાંત કીશોરને થેન્ક્યુ કહેવું પડે, કમ સે કમ અમને ચા-નાસ્તો તો સારો મળશે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment