ભલે છછૂંદર જેવું હતું છતાં ઓમિક્રોન નામનું આ વર્ઝન અમુક લોકોને ફાયદા કરાવીને જ રહ્યું છે ! જુઓ…
***
એકાદ મહિના માટે ન્યુઝ ચેનલોને મસાલો મળી ગયો.
***
જે લોકોએ વેક્સિન નહોતી લીધી એમણે લઈ લીધી. અમુકે બૂસ્ટર ડોઝ પણ લઈ લીધા. એ બહાને વેક્સિનનો છેલ્લો સ્ટોક ખાલી થઈ ગયો.
***
વગર પરીક્ષાએ પાસ થયેલા આળસુ સ્ટુડન્ટોને નવું મિનિ વેકેશન મળી ગયું.
***
કર્મચારીઓને ઓનલાઇન નોકરી કરાવનાર કંપનીઓના લાઈટ, પંખા, એસી, ચા-પાણી, પટાવાળા અને ઓફિસના ભાડાના પૈસા બચી ગયા.
***
પત્નીઓને કામવાળીના પગારો તો ના બચ્યા પણ ‘કામવાળા’ની એકસ્ટ્રા મદદ મળી ગઈ.
***
રેસ્ટોરન્ટની ઘરાકી ઘટી ગઈ પણ એમના ઓનલાઇન ઓર્ડરો ફરી વધી ગયા.
***
થિયેટરો, મલ્ટિપ્લેક્સો વગેરે બંધ રહેવાને કારણે એકમાત્ર મનોરંજન ‘બાટલી’ જ રહ્યું. સરવાળે પોલીસોના હપ્તા પણ ફરી વધી ગયા.
***
પાંચ રાજ્યોની ચૂંટણીમાં રાજકીય પક્ષોને ભીડ ભેગી કરવાના ખર્ચા જ બચી ગયા !
***
અરે, લગ્નો ઓછા ખર્ચામાં પતી ગયાં !
***
સાવ ફાલતુ કહેવાય એવી ફિલ્મોને થિયેટરો કરતાં પાંચ ગણા પ્રેક્ષકો OTTમાં મળી ગયા.
***
અને ફાલતુ ફિલ્મ ‘ફાલતુ’ છે એવી ખબર વીસ જ મિનિટમાં પડી જવાથી લાખો પ્રેક્ષકોનો ટાઇમ બચી ગયો !
- થેન્ક્યુ ઓમિક્રોન
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment