અમારું દિમાગ અવળચંડુ છે એ વાતમાં તો કોઈ શક નથી પરંતુ રહી રહીને અમને એમાં બહુ ‘ઓરીજીનલ અવળચંડા’ વિચારો આવતા હોય છે ! જુઓ નમૂના…
***
અત્યારે હું જે સમય બચાવી રહ્યો છું, એ મને ‘વાપરવા’ ક્યારે મળશે ?
***
અંતરાત્મા એ ચીજ નથી જે તમને ખોટું કરતાં રોકે છે… હકીકતમાં તો એ તમને ‘મજા’ કરતાં રોકે છે !
***
હે ભગવાન ! તું મને ‘બીજો’ કેમ નથી બનાવી દેતો ? કેમકે દુનિયામાં સૌ કહે છે કે ‘બીજાઓને’ મદદ કરો !
***
બસ-સ્ટેશન એ જગ્યા છે જ્યાં બસ રોકાય છે. રેલ્વે-સ્ટેશન એ જગ્યા છે જ્યાં રેલગાડી રોકાય છે. એ જ રીતે મારું ટેબલ ‘વર્ક-સ્ટેશન’ છે… જ્યાં…
હવે વધારે શું કહું, યાર ?
***
ધરતી ઉપર જીવવું વધુ ને વધુ મોંઘું થતું જાય છે એ વાત તો સાચી પણ બોસ, એમાં દર વરસે સૂર્યની આસપાસ એક ‘ફ્રી ટ્રીપ’ પણ મળે છે !
... આ તો જસ્ટ એક વિચાર આવ્યો, પૈસા ક્યાં માગ્યા છે ?
***
ધ્યાનથી વાંચો :
(1) નીચેનું લખેલું વાક્ય સાચું છે.
(2) ઉપર લખેલું વાક્ય ખોટું છે.
બસ, આટલું જ કન્ફ્યુઝન છે ! બાકી તો…
***
આ પણ ધ્યાનથી વાંચો :
શું અણધારી સફળતાની આશા કરવાથી અણધારી સફળતા ધારેલી સફળતા નથી બની જતી ? અને ધારેલી સફળતા જ્યારે અચાનક અણધારી રીતે સફળ થઈ જાય ત્યારે એને ‘અણધારી’ સફળતા કહેવાય કે ‘ધારેલી અણધારી’ સફળતા કહેવાય ?
***
છેલ્લે એક જ સવાલ થાય છે કે…
જે જ્યોતિષીઓ હજી ગરીબ છે શું એમને એમના પોતાના ભવિષ્યની ખબર હતી ? અને જો ખબર હતી તો ઝખ મરાવવા પોતે જ્યોતિષી બન્યા ?
- બોલો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment