૨૦૨૧ના ઈન્ટરનેશનલ એવોર્ડ્ઝ !

હવે વારો છે ગયા વરસના ઇન્ટરનેશનલ લેવલના એવોર્ડ્ઝનો…

***

ઇન્ટરનેશનલ ‘ભગૌડા’ ઓફ ધ યર

નીરવ મોદી અને વિજય માલ્યા તો ક્યારના ભાગેડુ જાહેર થઈ ચૂક્યા છે પણ 2021ના વરસનો એવોર્ડ જાય છે... અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડનને ! જે રીતે એ અફઘાનિસ્તાનમાંથી પોતે જ મુકેલી ડેડલાઇન પહેલાં જ ભાગ્યા છે તે આખી સદી સુધી યાદ રહેશે !

***

ઇન્ટરનેશનલ ‘નફ્ફટ’ ઓફ ધ યર

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ! 2020ના કોરોના વખતે સાવ નફ્ફટ બનીને જાહેરમાં ક્યાંય માસ્ક ના પહેર્યું અને 2021માં પોતે ચૂંટણી હારી ગયા હોવા છતાં બેશરમ બનીને જે રીતે ખુરશીને ચોંટી રહેવાનાં હવાતિયાં માર્યા તે પણ આખી સદી સુધી બેમિસાલ રહેશે.

***

ઇન્ટરનેશનલ ‘ફ્લાઇટ’ ઓફ ધ યર

અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ ઉપરથી ઉપડેલી એ ફ્લાઈટો, જેમાં લોકો લોકલ ટ્રેનના ડબ્બાની માફક ધક્કામુક્કી કરીને ચડ્યા ! અને ખાસ તો પેલી ફ્લાઈટ, જેમાં બે ઘનચક્કર અફઘાનીઓ પૈડાં ઉપર ચડી ગયેલા અને પછી આકાશમાં 2000 મીટરની હાઇટ ઉપરથી નીચે પટકાયા !

***

ઇન્ટરનેશનલ ‘હેર-સ્ટાઇલ’ ઓફ ધ યર

મોદી સાહેબની રવિન્દ્રનાથ ટાગોર જેવી લાંબી દાઢી ! જોકે એનાથી ના તો બંગાળનું ઇલેક્શન જીતી શકાયું કે ના તો એમની કોઈ કવિતાને નોબેલ પ્રાઇઝ મળ્યું !

***

ઇન્ટરનેશનલ ‘સપોર્ટ’ ઓફ ધ યર

ખેડૂત આંદોલન તો ભારતમાં ચાલ્યું પણ એના ઇન્ટરનેશનલ સપોર્ટમાં કોઈ વિદેશી ટીન-એજર સેલિબ્રિટીએ વિરોધ કરવાની ટુલ-કીટ શેર કરી ! અને કોઈ વિદેશી પોર્ન-સ્ટારે પણ સોશિયલ મિડીયામાં સહાનુભૂતિ જાહેર કરી ! બન્નેમાંથી કોઇને ‘ભટીંડા’ ખાવાની વાનગી છે કે રહેવાનું સ્થળ એ પણ ખબર નહીં હોય !

***

ઇન્ટરનેશનલ ‘નેશન’ ઓફ ધ યર

અફઘાનિસ્તાન ! 20 વરસ સુધી ત્યાં ‘શાંતિ’ સ્થાપવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. અને હવે જ્યારે ત્યાં ‘સન્નાટો’ છે તો દુનિયામાં કોઈને પરવા પણ નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments