મોબાઈલના રૂઢિપ્રયોગો - ૩

ગુજરાતી ભાષાની એ ખુબી છે કે એમાં ગમે ત્યાંથી ગમે તેવા શબ્દો પોતાની છટાથી એન્ટ્રી મારતા રહે છે ! જુઓને, મોબાઇલના જ કેટલા શબ્દપ્રયોગો ચાલી રહ્યા છે…

***

મોબાઇલ કવર જેવો છે

જે વ્યક્તિ ફક્ત મોબાઇલના કવર જેટલી ચીપ અને એટલી જ ફાલતુ હોય એના માટે કહી શકો કે ‘જવા દે ને, સાવ મોબાઇલના કવર જેવો છે !’

***

બહુ સ્ક્રેચ પડ્યા છે

જે જીવતા મોડલના ચહેરા ઉપર (અથવા દિલ ઉપર) બહુ લીસોટા પડી ગયા હોય તેના માટે કહો કે ‘એ મોડલ ઉપર બહુ સ્ક્રેચ પડી ગયા છે. જોવા જેવું કશું નથી.’

***

ટફન ગ્લાસ નંખાવ્યો છે

જે ‘મોડલે’ વધારે પડતો મેકપ કર્યો હોય અથવા જેનો સ્વભાવ અચાનક કડક થઈ ગયો હોય તેના માટે કહેવાય કે ‘નવો ટફન ગ્લાસ નંખાયો લાગે છે !’

***

આઈ ફોન છે, અલગ છે

પોતાની જાતને હાઇ-ફાઇ સમજતા અને બીજાઓને તૂચ્છ માનતા લોકો વિશે તમે જરૂરથી કહી શકો કે ‘જવા દે ને, પોતાની જાતને મોટો I Phone સમજે છે.’

***

OS અલગ છે

જ્યારે કોઈનું વર્તન ના સમજાય અથવા એ આઇટમ હંમેશાં આડી જ ચાલતી હોય તો કહેવાય કે ‘એની OS (ઓપરેટીંગ સિસ્ટમ) જ અલગ છે, ભઇ !’

***

પી-ટીએમ સમજે છે

કોઇ ગર્લ ફ્રેન્ડ પોતાના બોયફ્રેન્ડોનાં હંમેશાં ખિસ્સાં જ ખાલી કરાવ્યા કરતી હોય તો કહેવાય કે ‘એ તો બધા છોકરાઓને પે-ટીએમ જ સમજે છે !’

***

ચાઇનિઝ છે યાર

...અને જેના ઉપર ક્યારેય ભરોસો ના કરી શકાય અને જેનું દિમાગ, શરીર કે સંબંધો સાવ તકલાદી હોય એને માટે કહેવાય છે ‘સાવ ચાઇનિઝ મોબાઇલ છે, યાર !’

***

- મન્નુ શેખચલ્લી

Comments