એ જમાનામાં ઇંગ્લીશ પિક્ચરો જોવાં એ કેટલું અઘરું કામ હતું તેની આજના યંગસ્ટરોને શું ખબર પડે ?
એક તો આપણે ભણ્યા હોઈએ દેશી ગુજરાતી મિડિયમમાં, ઉપરથી મૂછનો દોરો ના ફૂટે ત્યાં લગી ઇંગ્લીશની ‘A’ (એડલ્ટ)વાળી ફિલમમાં એન્ટ્રી ના મળે. માંડ માંડ કાળી પેન્સિલ વડે મૂછ ચીતરીને ઘૂસ મારી હોય ત્યાં અંદર ગયા પછી એકેય ડાયલોગમાં ટપ્પી ના પડે ! વળી, એ જમાનામાં ક્યાં આજની જેમ હિન્દી ડબિંગ કે નીચે સબ-ટાઇટલ આવતાં હતાં ? આમાંને આમાં પેલા ધોળિયા કલાકારો ગાલમાં લખોટી રાખીને શું ‘શ્વેંશ શ્વુંશ.. યેં યેં મેન !’ બોલી જાય તે કંઈ સમજાય નહીં !
છતાં ઇંગ્લીશ ફિલ્મ જોવાનો ક્રેઝ છૂટે નહીં, કેમકે આપણે ‘હમજ્યા વિના’ બધું જોયું છે એવું તો બહાર આવીને કોઈને કહેવા જઈએ તો ઇજ્જતના કાંકરા થઈ જાય ને ? બીજી વાત એ પણ હતી કે યાર, આપણે ક્યાં કશું ‘હમજવા’ માટે જતા હતા ? આપણે તો બે જ કારણસર ઇંગ્લીશ મુવીઝ જોતા હતા. એક, એક્શન અને બીજું, ગલગલિયાં !
’૭૦ના એ દાયકામાં આપણી હિન્દી ફિલ્મોમાં એક્શનના નામે સરકસના ખેલ જેવું જ ચાલતું હતું. (દારાસિંગની ફિલ્મોમાં પણ !) એટલે ઇંગ્લીશ ફિલ્મોનું ઢીશૂમ ઢીશૂમ જોવાની મઝા પડતી. ખાસ તો પેલી કાઉબોય ફિલ્મો ! એમાં ગોળી છૂટવાના અવાજો કંઈક જુદા જ આવતા, જાણે મોટા પીપડામાં પડઘા પડતા હોય ! કંઈ કેટલાય વરસ સુધી અમે એમ જ માનતા હતા કે ફોરેનની પિસ્તોલોની ‘બનાવટ’ જ અલગ આવે છે !
બીજું, એક્શન ફિલ્મોમાં સ્ટોરી આખેઆખી બમ્પર જાય તોય કશો વાંધો ના આવે કેમકે એમાં પણ હિન્દી ફિલ્મોની જેમ છેલ્લે તો હીરો જ વિલનોને મારીને ‘વિજયી ભવ’ થતો હતો. ફરક એટલો જ કે ઇંગ્લીશ ફિલ્મનો હિરો એન્ડમાં ખજાનો વત્તા સુંદરી બન્નેને લઈને હાલતો થાય, જ્યારે હિન્દી ફિલ્મોમાં માત્ર ‘સત્ય’નો વિજય થાય !
આ તો થઈ એક્શન ફિલ્મોની વાત. બાકી ‘ગલગલિયાં’ ફિલ્મોમાં તો સ્ટોરી શું છે તેની ક્યાં કોઈને પરવા જ હતી ? આપણે ‘એન ઇવનિંગ ઇન પેરિસ’ના પેલા ગાયનમાં ડઝનના ભાવે બિકીની પહેરેલી ગોરી કન્યાઓને દરિયામાં લસરપટ્ટી કરતી જોયેલી. પણ યાર, બિકીની પહેરીને કોઈ ચા-નાસ્તો કરતી હોય, સાંજે શાક શું બનાવવું એવું પુછતી હોય અને ‘તેં મારું બનાવેલું આટલું મસ્ત ઉંધીયું કેમ ના ખાધું ?’ એવા ઝગડા પણ બિકીની પહેરીને જ કરતી હોય એવું આપણે ક્યાં જોયું હોય ? (આ શાક, ચા-નાસ્તો અને ઉંધીયાંના દાખલા એટલા માટે આપીએ છીએ કે એ વખતે ડાયલોગમાં ક્યાં કશી ગતાગમ પડતી હતી ? એટલે મનમાં જે સુઝ્યું તે આપણો ડાયલોગ !)
આ ડાયલોગવાળા મામલે અમે પાછા ટણી પણ બહુ ઊંચી રાખતા હતા. એ સમયે ‘લવસ્ટોરી’ નામની કોઈ ઓસ્કાર વિજેતા ફિલ્મ આવેલી. આપણાં દેશી છાપાંઓએ એની એટલી બધી આરતીઓ ઉતારેલી કે અમે ઇમ્પ્રેસ થઈ ગયેલા. બહુ આશાભર્યા હૃદયે અમે ‘લવસ્ટોરી’ એ હિસાબે જોવા ગયેલા કે એમાં ‘લવ-સીનો’ તો હશે જ ને ? પણ શું કહું ? આખી ફિલ્મમાં ચકો-ચકી બસ વાતો જ કર્યા કરે ! (પૈસા પડી ગયા.)
છતાં બહાર આવીને કોઈ આગળ કહેવાય ખરું ? એમાં વળી બરોડાની એમ એસ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કેટલાક ઇંગ્લીશ મિડીયમવાળા સ્ટુડન્ટો હતા, તે અમારી ફિરકી લેતાં પૂછે કે ‘કંઈ સમજ પડી ખરી ?’ તો અમે સામી છાતી કાઢીને વટથી કહેતા ‘પડી જ હોય ને ? બોલ, કયો ડાયલોગ બોલી બતાડું ?’
અમદાવાદના પ્રેક્ષકો માટે ઇંગ્લીશ ફિલ્મો કરતાં તેની જે જાહેરખબરો આવતી તેની યાદ હજી તાજી હશે. ‘સેન્ટ્રલ’ સિનેમાની એ જાહેરખબરો કોણ લખતું હશે તે તો ખબર નથી પણ જે રીતે ભલભલાં સેન્સરબોર્ડને પણ થાપ આપી દે એવી છટકબારી સાથેની શબ્દ-રચનાઓ તે કરી જાણતો હતો તે કાબિલે તારીફ હતું... ‘હવસખોર હિંસાનો નગ્ન ચિતાર…' ‘જલતી જવાનીનો ઉઘાડેછોગ ઇન્તેકામ...' ‘તડપતા યૌવનના ઉભરાનો અંતિમ અંજામ’… આવું આવું તે દર અઠવાડિયે લખી શકતો હતો.
એ વખતનો એક કિસ્સો જે કદાચ સાચો પણ હોઈ શકે, તે આમ હતો : એક ભાઈ એક ઇંગ્લીશ પિક્ચર કંઈક 86મી વાર જોવા જઈ રહ્યો હતો. તેને પૂછ્યું કે અલ્યા, ‘આમાં એવું તે શું છે ?’
જવાબમાં તેણે કહ્યું કે ‘એની હિરોઇન રેલ્વેના પાટાની બાજુમાં આવેલા એક પાણીના પંપ નીચે નહાવા બેસે છે. એ કપડાં ઉતારવા જાય એ જ ઘડીએ ટ્રેન પસાર થવા માંડે છે… બસ, હું એ આશામાં વારંવાર ટિકિટ લીધા કરું છું કે કોઈક દહાડો તો એ ટ્રેન લેટ પડશે ને !’
આજે ‘એવું બધું’ જોનારા મોબાઈલમાં 86 વાર ‘રિ-પ્લે’ કરી લે છે. સસ્પેન્સ જેવું કંઈ રહ્યું જ નહીં. શું કહો છો !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Bhavnagar Rupam talkies ma English film aavya,jenu bhashantar pan gazabnu hatu,'Carry On Doctor' nu 'Hanke rakho vaidraj ' evu karelu.
ReplyDeleteસાચી વાત છે વિપુલ ભાઈ ! એ સમયે ઈંગ્લીશ ફિલ્મોનાં જે ગુજરાતી નામો રાખતા હતા તેની આખી યાદી બનાવી શકાય તેમ છે !
ReplyDeleteEnglish nu desi translation ena par to ek alag thi lekh lakhi sakay evu che😁 e jamana ma english movie etle galgaliya evu j manatu good observation lalitbhai
ReplyDeleteThanks 🙏 😊
Delete