ગુજરાતી સ્પેસ-યાત્રીના સવાલો !

કહે છે કે દુનિયાના અબજોપતિઓ હવે લાખો કરોડો ડોલરની ટિકીટ લઈને સ્પેસમાં ફરવા જવાના છે ! ધારો કે એ ‘સ્પેસ ટ્રાવેલ્સ’ની ઓફિસમાં આપણો કોઈ ગુજુભાઈ જઈ ચડે તો શું સવાલો કરે ।…

***

- ત્યાં ઉપર શું જોવા જેવું છે ?

- ગાઇડ મળશે કે બધું જાતે જ જોવાનું છે ?

- સ્પેસ-શીપમાં ચા-નાસ્તામાં શું છે ? બધું વેજેટેરીયન જ છે ને ?

- ઘેરેથી થેપલાં ને છુંદો લાવ્યા હોઈએ તો નાસ્તામાં કેટલા ડોલર ઓછા કરશો ?

- ફેમિલી ટુર ખરી ? કેટલા દિવસ અને કેટલી રાતનું પેકેજ છે ? કઈ હોટલમાં ઉતારો આપશો ?

- વિન્ડો સીટના એકસ્ટ્રા લાગશે ?

- રિટર્ન ભાડું હોય તો ઓછા નહીં કરો ?

- સ્પેસ-શીપમાં પિક્ચર કેટલાં બતાડો છો ?

- વચમાં ક્યાંક એકી-પાણી માટે તો ઊભા રાખશો ને ?

- જોડે રસોઈયો નથી રાખતા ?

- ડ્રીંક્સમાં કઈ કઈ બ્રાન્ડ છે ?

- એર હોસ્ટેસના ફોટા જોવા મળશે ખરા ?

- જે સ્પેસ-સૂટ પહેરવા આપશો એ તો પછી ઘરે જ લઈ જવાનો ને ?

- એ પાછો આપીએ તો કેટલા ડોલર પાછા આપો ?

- ટિકીટમાં કંઈ ઓછું થાય એવું નથી ?

- રોકડેથી પેમેન્ટ કરીએ તો કેટલા ઓછા કરો ?

- પાછા રીટર્ન આવવાની ગેરંટી તો ખરી ને ?

- વીમો તમે ઉતારો છો કે એ ય અમારે ઉતારવાનો ?

- મારો સાળો વીમા એજન્ટ છે, એ ઉતારે તો ચાલે ?

- કોની કોની જોડે સેલ્ફી લેવા મળશે ?

- મુકેશ અંબાણીએ કઈ તારીખનું બુકિંગ કરાવ્યું છે ? એ અમારા સગામાં થાય હોં ?

- કંઈ જોખમ જેવું લાગે તો મૃત્યુંજયના જાપની ચોપડી રાખી છે ? કે સીડી વગાડો છો ?

- જરા પાયલોટ જોડે વાત કરાવો ને ? ના ના, આ તો ખાલી પૂછવું છે કે રસ્તો તો સારો છે ને ?

- અચ્છા, છેલ્લો સવાલ... જો હું તમને દસ ઘરાક લાવી આપું તો મને ‘કમિશન’ કેટલું આપશો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments