અમુક વખતે બોધકથાઓ અને ચાતૂરીકથાઓમાં જે વાર્તા હોય છે તે આપણે આંખો મીંચીને સ્વીકારી લઈએ છીએ.
દાખલા તરીકે અકબર-બિરબલની એક વારતામાં એવું છે કે બાદશાહ અકબરને વિચાર આવ્યો કે આપણા રાજ્યમાં ઇમાનદાર લોકો કેટલા ?
એટલે ઢંઢેરો પીટાવ્યો કે તમામ દિલ્હીવાસીઓએ રાજાના મહેલમાં જે હોજ છે એમાં રાતના ટાઇમે આવીને એક એક લોટો દૂધ ઠાલવી જવાનું છે ! પછી સવારે જુએ છે તો આખો હોજ પાણીથી છલોછલ છે !
એમાં પાછા આપણે ડાહ્યા થઈને બોધ લઇએ છીએ કે જોયું ? પબ્લિકને બેઇમાનીનો ચાન્સ મળે તો છોડતી જ નથી ! અમુક તો એમાંથી દોઢ-બોધપાઠ તારવશે કે આપણા ઇન્ડિયાવાળા તો આવા જ રહેવાના !
પણ અલ્યા, કોઈ એમ કેમ નથી પૂછતુ કે અકબરને બીજો કોઈ કામધંધો છે કે નહીં ? રોજ સવાર પડે ને આવા નવા નવા ફિતૂરો જ કાઢવાના છે ? એ વખતે દિલ્હીની વસ્તી કેટલી હશે તે નથી ખબર, પણ બોસ, એકેએક ઘરમાં ટેન્શન થઈ ગયું હશે કે નહીં ?
ઘરવાળી છોકરાંઓને કહેતી હશે, આજે દૂધ નહીં મળે, રાજાના હોજમાં રેડવાનું છે ! ધણીને કહેતી હશે કે આજે ખબરદાર ચા પીવાનું નામ લીધું છે તો ! એક તો બાદશાહને આવા ફરમાનો આગલા દહાડે કરતાં શું થાય છે ? ભૈયાજીને કહી રાખ્યું હોત તો એક લોટો દૂધ વધારે ના આપી જાત ?
અરે, એ તો છોડો, જો ખરેખર આગલે દહાડે ફરમાન કાઢ્યું હોત તો ભૈયાજીઓ જ દૂધમાં ડબલ પાણી ના નાખી દેત ? આ તો સારું થયું કે રાતના જઈને લોટો રેડી આવવાનો હતો બાકી… (ભાઈ, આ તો ઓર્ડીનરી પ્રજાના વિચારો થયા પણ જેનામાં થોડી અક્કલ હોય એ શું વિચારે ?)
અક્કલવાળા, એટલે કે આપના જેવા વાચકોને તો વિચાર આવવો જ જોઈએ ને કે આખી દિલ્હીની વસ્તી પાસેથી એક લોટો દૂધ ઉઘરાવીને અકબર કરવા શું માંગતો હતો ? શું એનો દૂધપાક બનાવીને પ્રજામાં વહેંચવાનો હતો ? ના ના, તમે રાજા થયા એટલે જ્યારે ને ત્યારે કંઈપણ માગી લેવાનું ? આજે દૂધ માંગ્યું છે, કાલે તેલ માગશો ! પરમ દહાડે બબ્બે લોટા પેટ્રોલ માગીને ઊભા રહેશો ! અહીં ઘેરઘેર કંઈ તેલના કૂવા ખોદીને રાખ્યા છે ?
પરંતુ બોધકથા, ચાતુરીકથા વગેરેમાં આવું ધૂપ્પલ ચાલતું જ રહે છે. બીજી એક વારતામાં એવું બને છે કે રાજા અકબરના હાથમાંથી મોંઘા અતરની શીશી છટકી ગઈ. ઢોળાયેલું અત્તર ગાદી ઉપરથી લેવા માટે આંગળી ફેરવી પણ અત્તર તો શોષાઈ ગયું ! અકબર ભોંઠો પડી ગયો. પોતે કંજુસ નથી એવું બતાડવા માટે નવો ઢંઢેરો પીટાવ્યો કે મહેલનો આખો હોજ મોંઘા માંયલા અત્તરથી ભરેલો છે. પ્રજાને છૂટ છે, જેટલું અત્તર લઈ જવું હોય તેટલું લઇ જાય !
લો બોલો. આમાંતો છેક કુતુબમિનાર સુધી લાઈનો જ લાગે ને ? અને ભઇ, તું કોના પૈસે અત્તર વહેંચે છે ? આખરે તો પ્રજાના કરવેરાના જ પૈસા છે ને ? તું કંજુસ નથી એવું જ બતાડવું હોય તો છ મહિના લગી ઘેર ઘેર બબ્બે લોટા દૂધ ફ્રીમાં અપાવ ને ?
જરા લાંબો વિચાર કરશો તો ખ્યાલ આવશે કે બોસ, એ બબ્બે લોટા દૂધ પણ પબ્લિકના કરવેરામાંથી જ આવશે ! રાજા અકબરની વળી પોતાની કઈ કમાણી હતી ?
પણ આપણે આવું બધું નથી વિચારતા. રાજા અકબર તો નવરો હતો. કોઈ દહાડો પૂછે છે કે દિલ્હીમાં કાગડાની વસ્તી કેટલી છે, ગણીને કહો.
કોઈ દહાડો પૂછે છે કે લોકોનાં ઘરમાં પતિઓનું રાજ ચાલે છે કે પત્નીઓનું ? સરવે કરી લાવો !
કોઈ દહાડો ચેલેન્જ ફેંકે છે કે બરફ જેવા ઠંડા પાણીના તળાવમાં આખી રાત ઉઘાડા શરીરે કોણ ગળાડૂબ થઈને ઊભો રહી શકે છે ?
અલ્યા અકબર, આટલી ઠંડીમાં આવી આવી કોન્ટેસ્ટો કાઢવાને બદલે પ્રજાને બબ્બે ધાબળા મળે એવું કંઈક કર ને ?
આપણે ય કંઈ ઓછા નથી. વોટ્સએપમાં આવી જ ટાઇપની જાતજાતની ‘ચાતૂરીકથાઓ’ વાંચીને એમ સમજીએ છીએ કે આપણે પણ ચતૂર થઈ જઈશું !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Akbar navro dhup hato etle birbal ne dhandhe lagadto😃
ReplyDeleteમન્નું!!! તારા નવા નવા તઘલગી લેખ વાંચી ને થાય છેકે આવા વિચાર ક્યાંથી આવતા હશે ???!!! “બીરબલ” ને ખરીદી લીધો નથી ને ??😜🤣😝😂
ReplyDelete😀😀😀 Ha ha ha ! Thanks.
Delete