કેવા કેવા કિસ્સા બની રહ્યા છે ? કહે છે કે વેક્સિન લીધા પછી અમુક લોકોનાં શરીર જાણે ‘લોહચૂંબક’ જેવાં બની જાય છે ! ચમચી, વાડકી, સિક્કા જેવી ચીજો એમના શરીર ઉપર એની મેળે ચોંટી જાય છે !
આવા લોકો જો સતત વધતા જશે તો પછી કેવી ગમ્મતો થશે ?
***
પત્ની પતિને કહેતી હશે : ‘તમે રાતના ટાઈમે કિચનમાં આંટો મારવાનું રહેવા દો ભૈશાબ, ત્યાંથી ચમચીઓ ગાયબ થઈ જાય છે !’
***
શહેરની મોંઘી-મોંઘી રેસ્ટોરન્ટોના માલિકો મુંઝાઈ રહ્યા છે : ‘યાર, ઘરાકી તો વધી છે પણ કાંટા-ચમચીઓ કેમ ઘટતી જાય છે ?’
***
મોલમાં તો બબ્બે ઠેકાણે મેટલ ડિરેકટરો હશે. એન્ટ્રી વખતે તો હોય જ છે પણ બહાર નીકળતી વખતે પણ ચેકીંગ થશે કે કોઈ શરીર ઉપર પ્યાલા-વાટકી ચોંટાડીને બહાર નથી લઈ જતું ને !
***
એક દિવસ બ્રેકિંગ ન્યુઝ આવશે : ‘શહેરના વાસણ બજારની દુકાનોમાંથી ચાર હજાર ચમચીઓની ભેદી રીતે ગાયબ !’
***
છાપામાં સમાચાર આવશે : ‘સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની સંખ્યા તો વધી પરંતુ બાર વ્યક્તિઓ લોખંડી સ્ટેચ્યુ સાથે ચોંટી જતા ફાયર બ્રિગેડને બોલાવવી પડી !’
***
તાળાની ચાવીઓ બનાવી આપનારા ફેરિયાઓની હડતાલ ! ખાસ સીસીટીવી કેમેરાની માંગ... ! કહે છે કે રસ્તે ચાલતા કોઈપણ વ્યક્તિ ક્યારે અમારી ચાવીઓ ઉપાડી જાય છે તેની ખબર જ નથી પડતી !
***
એ તો ઠીક, પછી તો નેતાઓ પણ ફરિયાદ કરશે કે ‘અમારા ચમચાઓને બીજા લોકો ખેંચી જાય છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment