આઈપીએલની મેચો જોતી વખતે આપણને એવો વિચાર તો આવી જ જાય છે કે ‘યાર, આ બધું ક્યાંક ફિક્સિંગ તો નથી ?’
તો મિત્રો, અહીં આપેલાં થોડાં લક્ષણો ચેક કરી લો. જો એને મળતાં દ્રશ્યો તમને જોવા મળે તો જાણવું કે ‘કંઈક તો ફિક્સિંગ થયું જ છે !’
***
જે બોલરે એક ઓવરમાં 18 થી 20 રન આપી દીધા છે એ જ બોલરને વધુ એક ઓવર આપવામાં આવે અને એમાંય ચોગ્ગા છગ્ગા પડી રહ્યા હોય તો માનવું કે… કંઇક તો ફિક્સિંગ થયું જ છે !
***
જે બેટ્સમેનના ત્રણ ત્રણ લોલિપોપ જેવા ઇઝિ કેચ પડતા મુકવામાં આવ્યા હોય, એ જ બેટ્સમેન 50-60 કે 90 રન ઠોકી જાય… તો માનવું કે કંઇક તો…
***
જ્યારે સાવ મુરખની જેમ કોઈ બેટ્સમેન પોતાના સાથી બેટ્સમેનને રન-આઉટ કરાવે ત્યારે આઉટ થયેલો બેટ્સમેન ખિજાઈને દાંત ભીંસીને સામેવાળાને મોટેથી ‘બેન-સ્ટોક્સ !’ કહીને ના બોલાવે… તો માનવું કે કંઈક તો…
***
જ્યારે છેલ્લી ઓવરોમાં 12 બોલમાં 20 જ રન કરવાના હોય, અને સળંગ બે ચોગ્ગા વાગી જાય.. પછી કેપ્ટન બોલરને કંઈ સમજાવવા ના જાય, ફિલ્ડીંગની ગોઠવણમાં બોલર પણ ધ્યાન ના આપે અને સાવ બબૂચકની જેમ વધુ એક સિક્સર મારવાનો ઇઝી બોલ ફેંકે… ત્યારે માનવું કે…
***
જ્યારે પોતાની ટીમના બેટ્સમેનો ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી રહ્યા હોય ત્યારે એ જ ટીમના ડગ-આઉટમાં બેઠેલા રાહુલ દ્રવિડ કે અનિલ કુંબલે જેવા સિનિયર ખેલાડીઓના સિરિયસ ચહેરાઓમાં સ્હેજ પણ ફેરફાર ન થાય… તો માનવું કે…
- કે બધું ફિક્સ તો છે જ, પણ એમાં આ બિચારા સિનિયરો કશું જ કરી શકતા નથી !
***
અને હા, લગભગ જુગાર જ કહી શકાય એવાં મોબાઈલ એપ્સ આવ્યાં પછી ‘જુગાર રમાડતા બુકીઓ પકડાયા’ એવા સમાચારો આવતા સાવ ઘટી જાય… તો માનવું કે છેક ‘ઉપર સુધી' બધું…
- સમજી ગયા ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment