પ્રેક્ષકો નથી છતાં જ્યાં ઘોંઘાટ સંભળાય છે, એવી લાઇવ-ટેલિકાસ્ટ મેચોવાળી આઈપીએલ ટુર્નામેન્ટમાં આજકાલ બધું ત્રણ પ્રકારનું છે....
***
બેટ્સમેનો ત્રણ પ્રકારના છે...
(1) નામ બહુ મોટું હોય છતાં મેદાનમાં આવીને કશું ઉકાળતા ના હોય એવા જેમ કે ધોની, પોલાર્ડ અને સ્મિથ.
(2) બહુ મામૂલી નામ હોય છતાં મારા બેટાઓ ધનાધન રન ઠોકી જતા હોય એવા બેટ્સમેન. જેમ કે… પડિક્કલ, નિતીશ રાણા અને હર્ષલ પટેલ
(3) પોતાની સેન્ચુરી કે પોતાના 50 રન થઈ જવા જોઈએ, પછી ટીમનું જે થવાનું હોય તે થાય એવું વિચારીને રમતા બેટ્સમેનો. જેમકે કેએલ રાહુલ, સંજુ સેમસન અને વોર્નર.
***
અહીં ત્રણ પ્રકારના બોલરો પણ છે…
(1) શરૂશરૂમાં વાવાઝોડાની જેમ બોલિંગ કરીને વિકેટો લીધા પછી છેલ્લી ઓવરોમાં ઢગલાબંધ રન આપી દે એવા. જેમ કે મોરિસ, સ્ટેઇન અને સેમ કરન.
(2) લબુકિયા પતંગ જેવી ઢીલી બોલિંગ કરીને ચોગ્ગા છગ્ગા ખાતા જાય છતાં વિકેટો પાડતા જાય એવા બોલરો. જેમ કે ચહલ, જાડેજા અને સુનીલ નારાયણ
(3) જેને ઢગલાબંધ રન આપવા માટે જ રાખ્યા છે છતાં ભૂલ ભૂલમાં વિકેટ પણ લઈ લે છે એવા. જેમ કે શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને પ્રસિધ્ધ ક્રિશ્ના.
***
અહીં ફિલ્ડરો પણ ત્રણ પ્રકારના છે…
(1) કેચ પકડ્યા પછી સ્ટાઈલો મારે એવા. જેમ કે શિખર ધવન, જાડેજા અને બ્રાવો.
(2) કેચ પકડ્યા પછી જાણે આતંકવાદીને ઠાર મારી નાંખ્યો હોય એવો ગુસ્સો બતાડનારા જેમ કે હાર્દિક પંડ્યા, મહંમદ સિરાજ અને સુરેશ રૈના.
(3) સાવ ઇઝી કેચ છોડ્યા પછી ચહેરા ઉપર અફસોસ કે શરમનું નામોનિશાન ના બતાડે એવા. જેમ કે ગેઈલ, સ્ટેઇન અને પોલાર્ડ.
***
અને પ્રેક્ષકો પણ ત્રણ પ્રકારના છે…
(1) ઘરે બેસીને ટીવીમાં જોનારા.
(2) માસ્ક પહેરીને VIP એરિયામાં બેસનારા
(3) ડગ-આઉટમાં બેસીને તાળીઓ પાડનારાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment