બ્રેકિંગ ન્યુઝ... !! હવે ગલીએ ગલીએ ગાયકો ઉગી રહ્યા છે ! એ પણ હજાર બે હજારના ભાવમાં !
જી હા ! Karaoke, જેનો અમેરિકન ઉચ્ચાર, ભગવાન જાણે કયા લોજિકથી, ‘કેરિઓકે’ થાય છે, એવા નામની આ એક ચમત્કારી અને જાદૂઈ સિસ્ટમ આવે છે, જેના વડે ભલભલા ભેંસાસૂરો અને ગર્દભાસૂરો હવે ‘ઊગતા’ ગાયક બની શકે છે !
બે પાંચ વરસ પહેલાં તો ખિસ્સામાં 20-25 હજાર ના હોય તો આવા ‘ગલી-ગાયક’ બનવાની કોઇ હિંમત કરી શકતું નહોતું પણ હવે તો આખા ઘરનાં માસ્ક, સેનિટાઇઝર અને કાઢાની કિંમતમાં આ રમકડું ખરીદી શકાય છે. (એ પણ ઓનલાઇન. એટલે તમે શબ્દશઃ ‘ઘેરબેઠાં’ ગાયક બની જાઓ છો.)
આમ તો આ દેખાવે નેતાઓના પ્રિય માઇક જેવું જ છે પરંતુ હજી નેતાઓ જેને ખિસ્સામાં ઘાલીને ફરતા નથી થયા ત્યાં આવા ગાયકો આ રમકડું લઇને ગમે તે બર્થ-ડે પાર્ટીમાં કે ફેમિલી ફંકશનમાં ધસી જવા માટે થનગનતા થઈ ગયા છે. તમે જોજો, એક સમય એવો આવશે કે વરઘોડાની આગળ બેન્ડવાજાંને બદલે વરરાજાના કાકા-મામાઓ અને અડધો ડઝન ચાંપલા ભાઇબંધો ટોટલ દસ-દસ કેરિઓકે માઇકો લઇને રાગડા તાણતા હશે : ‘આજ મેરે યાર કી શાદી હૈ…’
માનનીય તાનસેનજી ! ધ્યાનથી સાંભળજો… સંગીતના ક્ષેત્રે મોટામાં મોટી ક્રાંતિ થઈ ચૂકી છે ! જે ગાયકો છેલ્લા પંદર વરસથી બાથરૂમમાં ગાયનો ગાતા હતા તે ટુવાલ કાઢીને (પછી કપડાં પહેરીને) ધાબાં ઉપર ગાયનો ગાઈ રહ્યા છે !
ખાસ નોંધવા જેવી વાત એ છે કે આમાંથી નેવું ટકા ગાયનો જુનાં જ હોય છે. અમે અત્યાર સુધી દુનિયાભરમાં છાતી કાઢીને ગર્વથી કહેતા હતા કે જુઓ, અમારા સંગીતકારો કેટલી સરળ અને મધુરી ધૂનો બનાવે છે કે કોઇપણ આલિયો માલિયો જાતે પણ ગાઈ શકે ! આજે એ જ વાત અમારા માટે શ્રાપ બની ગઈ છે કારણ કે અમારા પાડોશમાં જ એ બધા આલિયા માલિયા બાથરૂમ ગાયકો પણ હવે ઊગતા ‘ધાબા-ગાયકો’ બની ગયા છે !
આમાં કેવી કેવી સિચ્યુએશનો ઊભી થાય છે તેની તો વાત જ ના પૂછશો. ઉનાળાની રાત પડી નથી કે એક ધાબેથી એક ભાઈ કાગડાના સૂરમાં શરૂ કરે છે ‘મેરે સપનોં કી રાની કબ આયેગી તૂ…’
ત્યાં તો ચાર ટેનામેન્ટ છોડીને કોઈ પાડોશણ તેના ઘરની બારીએથી કોયલ નહીં પણ કોયલાના સ્વરમાં લલકારે છે : ‘જાને જાં… ઢૂંઢતી ફીર રહી, હૂં તૂમ્હેં રાત દિન, મૈં યહાં સે વહાં… મુજ કો આવાઝ દો… તુમ કહાંઆં… મૈં યહાંઆઆઆ….’
આ સાંભળીને ત્રીજા પાડોશીનો જુવાન દીકરો લાગ જોઈને સોગઠી મારતો હોય તેમ ચાલુ કરે છે ‘યે જો મુહોબ્બત હૈ, યે ઉન કા હૈ કામ…’ બરોબર એ જ વખતે ધોળા વાળને દર મહિને કાળા કરનારા કાકા ઓટલા પર બેઠા બેઠા મસ્તીથી લલકારે છે ‘ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં !’
કાકી તો કિચનમાં વાસણ ઉટકતી હોય ! તેના કાન આ બધું સાંભળીને ઊભા થઈ જાય છે ! એ ઘાંટા પાડતાં બહાર આવે છે ‘હવે શરમાઓ, શરમાઓ ! આ ઉંમરે આવા રાગડા તાણો છો તે જરાય સારા નથી લાગતા !’
કાકા થોડી વાર માટે ‘મ્યુટ’ થઈ જાય છે. પછી વાતાવરણ જરા ટાઢું પડે એટલે નીચલા સૂરે નવું કરુણગાન છેડે છે ‘મુઝે મેરી બીવી સે બચાઓ…. અકડતી હૈ, બિગડતી હૈ, હમેશા મુઝ સે લડતી હૈ…’
લોકડાઉનના સમયમાં પ્રેક્ટિસ કરી કરીને ખડૂસ બની ચૂકેલા આ ઊગતા ગાયકો હવે કોઈના ગાંઠ્યા ગાંઠતા નથી. એમાંથી અમુકે તો પોતાના વિઝિટીંગ કાર્ડઝ છપાવી નાંખ્યા છે. ‘જીવન તથા મરણના કોઈપણ પ્રસંગે ગાવા માટે બોલાવો… ફી : માત્ર પ્રેમભાવ!’
અમને વિચાર આવે છે કે કોઈના મરણ વખતે આવા લોકો શું ગાતા હશે ? ‘જો ચલા ગયા ઉસે ભૂલ જા…’ કે પછી ‘જાના હૈ તો જાઓ, બુલાયેંગે નહીં, નખરે કિસી કે ઉઠાયેંગે નહીં…’
સૌથી મોટો ત્રાસ ઊગવા માટે મથી રહેલા યાને કે શીખાઉ ગાયકોનો છે. રવિવારની ભરબપોરે જ એમને પ્રેક્ટિસ કરવાનું ઝનૂન ચડે છે ! એમાં વળી ઘડીકમાં તાલ ચૂકી જાય, તો ઘડીકમાં શબ્દો ભૂલી જાય એટલે વારંવાર પેલી ઘસાયેલી રેકોર્ડ એક જગ્યાએ ફસાઈ ગઈ હોય તેવું સંભળાયા કરે : ‘ગીત ગાતા હું મૈં – મૈં ગીત ગાતા – ગાતા હૂં મૈં, ગીત… ગીત.. ગાતા હું – ગુનગુનાતા – મૈં ગીત – મૈંને – વાદા – હું.... હું.... ગીત ગાતા હું મૈં -’
હા ભઈ હા ! હવે આખી સોસાયટીને ખબર પડી ગઈ કે રોંચા ગીત ગાતા હૈ તૂ ..! હવે જપને ?
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
हम तो वैसे ही थे, कंई वक्तसे,नाहक्क हमें बदनाम ना करो।
ReplyDelete😀😀😀😀
Deleteહાં થે તો આપ વૈસે હી
ReplyDeleteમગર અપને બાથરૂમ મેં થે
અબ આ ચૂકે હો મેરે કાન તક
મચ્છર ભી ઇતના કમીના ન થા !
😀😀😀🙏🙏🙏
ગુસ્તાખી માફ, સુમંત ભાઈ !