સોશિયલ મિડીયામાં ગમ્મત ચાલી છે કે કોરોનાની વેક્સિન લેતી વખતે મોદી સાહેબે નર્સને પૂછ્યું કે ‘નેતાઓની જાડી ચામડી માટે કોઈ સોય અલગથી રાખવી પડે છે ?’
જોક્સ અપાર્ટ, અમને લાગે છે કે દેશના નેતાઓની જાડી ચામડી ઉપરાંત ઓલરેડી એમની પાસે ઘણી જાતની ઇમ્યુનિટી છે…
***
ફરિયાદ – ઇમ્યુનિટી
જનતા ગમે એટલી ફરિયાદ કરે નેતાઓના કાનમાં ખાસ પ્રકારની કોઈ સિસ્ટમ હોય છે જેને લીધે ફરિયાદો કદી સંભળાતી જ નથી !
***
આરોપ – ઇમ્યુનિટી
લગાવાય એટલા આરોપો લગાવી લો… નેતાઓની ઇમ્યુન સિસ્ટમ પાસે એક જ જવાબ હોય છે : ‘જો આરોપો સાબિત થશે તો રાજીનામું આપી દઈશ… રાજકારણ છોડી દઈશ…!’ (અને આરોપો કદી સાબિત થતા જ નથી.)
***
બદનામી-ઇમ્યુનિટી
તમે નેતાઓને ચોર કહો, બદમાશ કહો, ગુન્ડા કહો, નાલાયક, હરામી, બેશરમ, બેઇમાન, બેવફા, દેશદ્રોહી, ભ્રષ્ટાચારી, કૌભાંડી, દંભી, જુઠ્ઠા… કંઈપણ કહીને થાકી જશો પણ એમને કંઈ અસર થશે નહીં. ભગવાને એમને ઈમ્યુનિટી આપી છે.
***
મિડીયા-ઇમ્યુનિટી
સોશિયલ મિડીયા હોય કે ઇલેક્ટ્રોનિક મિડિયા, નેતાઓ જન્મથી જ મિડિયા-પ્રુફ હોય છે. એટલી હદે કે મિડિયા પાસે ‘પ્રુફ’ હોય તો પણ નેતાઓ ‘મિડિયા-પ્રુફ’ રહી શકે છે.
***
કટાક્ષ-ઇમ્યુનિટી
બિચારા આર. કે. લક્ષ્મણ જીંદગીભર કાર્ટુનો બનાવીને છેવટે ગુજરી પણ ગયા પરંતુ એમનાં કાર્ટુનોની નેતાઓ ઉપર કંઈ અસર થઈ ?
અમારા જેટલા કંઈ કેટલાય હાસ્ય લેખકો અને નવી જનરેશનના સ્ટેન્ડ-અપ કોમેડીયનો પણ કટાક્ષ કરી કરીને પતી જશે… પણ નેતાઓ અડીખમ રહેવાના !
***
આંસુ-ઇમ્યુનિટી
આમાં જરા અલગ છે. પ્રજાના આંસુની અસર નેતા ઉપર નથી થતી પણ નેતાના આંસુ ? આહાહા… સંસદ ભવન હોય કે હાઈવેનો પંડાલ, એની અસર બેજોડ હોય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment