ખુદ ગુજરાત સરકારે આંકડા જાહેર કર્યા છે કે રાજ્યમાં માસ્ક વિના ફરતા 23 લાખ લોકોને દંડ કરીને સરકારે 114 કરોડ રૂપિયા ભેગા કર્યા છે !
આ હિસાબે જો પેલા સ્ટેડિયમ ઉપર છાપો માર્યો હોય તો તો એક જ ઝાટકે 6-6 કરોડ રૂપિયા ખંખેરી લીધા હોત !
પણ ના, સ્ટેડિયમમાં માસ્ક ના પહેરો તો કંઈ નહીં અને કારમાં એકલા બેઠા હો અને માસ્ક ના પહેર્યું હોય તો લાવો 1000 રૂપિયા !
ચૂંટણી વખતે પણ એવી જ ભીડો ભેગી થઈ. છતાં દંડ કોને થતો રહ્યો ? લગનમાં લિમિટ કરતાં પાંચ માણસ વધારે હોય તેને !
આના કારણે અમને અમુક જુની કહેવતોના નવા અર્થ (અનર્થ) સમજાઈ રહ્યા છે…
***
કહેવત :
જમવામાં જગલો અને કૂટવામાં ભગલો
અનર્થ :
આમાં ભગલો કોણ છે એ તો આપણે સૌ જાણી ગયા છીએ. પણ બિચારા જગલાઓ કોણ છે એ ખબર પડતી નથી ! હશે, પેલા 114 કરોડ રૂપિયા ક્યાં વાપરવા એ નક્કી થશે ત્યારે સમજાશે કે જગલાઓ કોણ હતા.
***
કહેવત :
ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા
અનર્થ :
સીધી વાત છે કોરોના તો બગીચાઓનાં બાંકડા પરથી, રેસ્ટોરન્ટના ટેબલ ઉપરથી અને રાતની સ્ટ્રીટ-લાઇટો વડે ફેલાય છે એટલે ત્યાં ડૂચા મારવા જરૂરી જ છે ! બાકી દરવાજાવાળું હજી નથી સમજાતું… પેલા સ્ટેડિયમના ગેટ નંબર 1, 2, 3, 4… વગેરે તો ના જ હોય ને ?
***
કહેવત :
ઘોડા નાસી ગયા પછી તબેલાંને તાળાં
અનર્થ :
કયા ઘોડા ? કેવા ઘોડા ? ગુજરાતમાં ઘોડાગાડીઓ જ નથી રહી તો વળી ઘોડા કેવા ? જે કંઈ ઘોડા વરઘોડામાં વપરાય છે ત્યાં તો વરરાજાને માસ્ક પહેરવું જ પડે છે ! પછી કયા ઘોડાની વાત થઈ રહી છે ?
હા, ચૂંટણી પહેલાં જે ‘હોર્સ-ટ્રેડિંગ’ થયું એની જો વાત હોય તો, ભઇ, એ ઘોડા તો જીત્યા પછી તબેલામાં જ છે ને ! ક્યાં નાસી ગયા છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment