બજેટ વિશે જાતજાતની ચર્ચાઓ થાય છે પણ અમુક પાયાના સત્યો અફર રહે છે ! જુઓ…
***
બજેટ રજુ થાય પછી એક્સપર્ટો એનું ‘વિશ્ર્લેષણ’ કરે છે..
વિરોધ પક્ષો એને ‘વખોડી’ કાઢે છે…
શાસક પક્ષને એમાં ‘ઉજ્જવળ’ ભવિષ્ય દેખાય છે…
અને બિચારા સામાન્ય લોકો ‘ટેક્સ’ ભરે છે !
***
સામી ચૂંટણીએ રજુ થનારાં બજેટો ‘લોલિપોપ’ જેવાં હોય છે જેનાથી વિરોધ પક્ષોના મોં બગડી જાય છે...
અને ચૂંટણી જીતી લીધા પછીનાં બજેટો ‘કડવી ગોળી’ જેવાં હોય છે જેનાથી જનતાનાં પેટ બગડી જાય છે !
***
બજેટમાં, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એ બતાડનારાઓ જ જાણે છે કે રૂપિયો ‘ખરેખર’ ક્યાં જશે !
***
એ જ રીતે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે એની ખુબ ચર્ચા થશે પણ કોઈ પૂછતું નથી કે રૂપિયો.... ‘ગયો ક્યાં?’
***
શોર્ટમાં સમજો તો બજેટનું ગણિત એક દોડની રેસ જેવું હોય છે...
જેમાં આગળના નંબરો ઉપર આવનારા લોકોના ઈનામમાંથી ટેક્સ કાપીને...
... એ લોકોને આપવામાં આવે છે જે કદી દોડતા જ નથી ! આને ‘નહીં દોડવાની સબસીડી’ કહેવાય છે.
***
છેલ્લાં 70 વરસનાં બજેટ જોઈ લો....
એમાં લકઝરી આઈટમો ઉપર ટેક્સ વધતો જ જાય છે છતાં લોકોની લકઝરીઓ પણ વધતી જાય છે !
એ જ રીતે છેલ્લા 70 વરસમાં ગરીબોને મદદ કરવા માટે અબજો ખર્વો રૂપિયા અપાય છે છતાં ગરીબો પણ વધતા જ જાય છે! એવું કેવું ?
***
ટુંકમાં, તમામ બજેટોનો સાર એક જ છે :
જો તમે કમાઈ રહ્યા છો તો એવા લોકોને મદદ કરો, જે કમાતા નથી.
અને જો તમે નથી કમાતા ? તો ચિંતા ના કરો ! તમારા માટે કમાઈ કમાઈને ટેક્સ ભરનારાઓની સંખ્યા બહુ મોટી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment