શિયાળાની સેવિંગ્સ સ્કીમો !

ભલે તમને શિયાળાના નામથી જ ટાઢ ચડતી હોય પણ શિયાળો તમને સેંકડો રૂપિયાની બચત કરાવી આપે છે ! જુઓ…


***

પરસેવો થતો જ નથી ! એટલે બબ્બે ત્રણ ત્રણ દહાડા સુધી નહાઓ નહીં તો ચાલે ! ટુંકમાં, નહાઓ નહીં તો પાણીની બચત.

***

પરસેવો ના થાય એટલે કપડાં પણ ત્રણ-ત્રણ દહાડા લગી ના ધૂઓ તો ચાલે ! મતલબ કે વોશિંગ પાવડર અને વોશિંગ મશીનની વીજળીની બચત.

***

જ્યારે જ્યારે નહાવાનું માંડી વાળો ત્યારે તમે દેશની ઉર્જા બચાવી રહ્યા છો કેમ કે ના ઇલેક્ટ્રીક ગિઝર વપરાય, ના તો ચૂલાનાં લાકડાં !

***

ફ્રીજ બંધ રાખો તો ચાલે ! અમુક સોસાયટીઓમાં તો ટાંકીમાંથી ફ્રીજ કરતાંય ઠંડુ પાણી આવે છે. એસી-કુલર-પંખા બંધ... મૂલ્યવાન બીજલી કી બચત હી બચત !

***

હમણાં તો કરફ્યુ ચાલે છે, પણ પછીય ઠંડીને કારણે પતિઓ પાનના ગલ્લે ઊભા રહેવાને બદલે વહેલા વહેલા ઘરમાં આવીને ઘોંટાઈ જશે ! ઇન શોર્ટ, જેટલા પૈસા માવા, ગુટકા, મસાલા, પાન, સિગારેટના બચ્યા એ સાચા.

***

બારી બારણાંની તીરાડોમાંથી ઠંડા પવનના સૂસવાટા આવે છે. તેથી બધું બરોબર પેક કરીને સૂવું પડે છે. આમાં ને આમાં ઘરમાં ચોરીનું જોખમ ઘટી જાય છે.

(ચોરોને લોસ, તમને ફાયદો)

***

ઠંડીને કારણે વહેલા વહેલા ગોદડામાં ભરાઈ જવું પડે છે તેથી ટીવી જોવાનું પણ ઘટી જાય છે. આમાં વીજળીની બચત તો ખરી જ, સાથે સાથે ‘દિમાગ’ પણ બચી જાય છે !

***

તકલીફ એક જ છે. આટલા બધા રૂપિયા બચે છે તેને સાચવી રાખવાને બદલે લોકો 'બાટલીમાં' ખરચી નાંખે છે ! હમ નહીં સુધરેંગે...

***

- મન્નુ શેખચલ્લી

Comments